- ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા અમદાવાદના મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
- AMC અને AUDAના સંયુક્ત ઉપક્રમે બનાવાયેલા પ્રોજેક્ટ્સનું ખાતમુહર્ત અને લોકાર્પણ
- અંદાજીત 363 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહર્ત અને લોકાર્પણ થયું
અમદાવાદ: આજે કેન્દ્રીય ગૃહપ્રધાને (Amit shah in Ahmedabad) અમદાવાદ સાયન્સ સીટીના સિમ્સ હોસ્પિટલ પાસે નિર્માણ પામેલા બ્રીજ તેમજ કુલ 363 કરોડના અન્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. મહત્વનું છે કે, AMC અને AUDAના સંયુક્ત ઉપક્રમે બનાવાયેલા પ્રોજેક્ટ્સનું ખાતમુહર્ત અને લોકાર્પણ (Project launch in Ahmedabad) કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ, ધારાસભ્યો, મનપાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
કોરોના દરમિયાન પણ અમદાવાદ હંમેશા એક્ટિવ રહ્યું
કાર્યક્રમ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, હાલ 363 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ છે, જેમાં 112 કરોડના પ્રોજેક્ટ્સના આજે લોકાર્પણ થઇ રહ્યા છે. કોરોના દરમિયાન પણ અમદાવાદ હંમેશા એક્ટિવ રહ્યું તેથી જ આજે આપણે કાર્યક્રમોનું લોકાર્પણ કરી રહ્યા છીએ. સોલા સિમ્સ હોસ્પિટલથી હેબતપુર સુધીના 4 લેન બ્રીજ બંને તરફના 3 લાખ લોકોને અવરજવરમાં મદદરૂપ થશે, હેબતપુર, શીલજ, થલતેજ વિસ્તારના લોકોને હવે બોરના પાણી ઉપર આધાર રાખવો નહિ પડે પણ નર્મદાનું પાણી હવે મળી શકશે, ગોતા વિસ્તારમાં તળાવ ડેવલોપમેન્ટ, ઔડા દ્વારા 80 કરોડના ખર્ચે 756 આવાસ માટે ભુમીપુજન થયું છે. આવા પ્રોજેક્ટ્સ પાછળ ટેન્ડર બહાર પાડવા અને અન્ય કામો અગાઉથી હાથ ધરવા પડે છે. આ કામગીરી જયારે વિશ્વ આખું કોરોના સામે લડી રહ્યું હતું ત્યારે થઈ છે.