- મોડાસાના ડેપ્યુટી કલેકટર મયંક પટેલની ધરપકડ
- યુવતીને બીભત્સ ફોટો મોકલી હેરાન કરવાનો છે આક્ષેપ
- એક વર્ષથી યુવતીને ડેપ્યૂટી કલેકટર બીભત્સ ફોટો- મેસેજ કરી કરતો પરેશાન
અમદાવાદઃ એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા મયંક પટેલની ( Deputy Collector Mayank Patel ) અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી પર એક યુવતીને બિભત્સ ફોટોગ્રાફ તેમજ મેસેજ કરી તેને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. મયંક પટેલ છેલ્લા એક વર્ષથી યુવતીને પરેશાન કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ડે. કલેક્ટર અને ફરિયાદી યુવતી અગાઉ એકબીજાના પરિચયમાં આવ્યા હતાં. જોકે, ફોન નંબર્સની આપ-લે બાદ મયંક પટેલે યુવતીને ગંદા મેસેજ મોકલવાનું શરુ કરી દીધું હતું. ફરિયાદી યુવતી પોતે પણ સરકારી કર્મચારી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. યુવતીએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી
ભોગ બનનાર યુવતી અને ડેપ્યુટી કલેકટર મયંક અગાઉ પરિચયમાં આવ્યાં હતાં
ફરિયાદી યુવતીનો એવો પણ આક્ષેપ છે કે, મયંક પટેલ ( Deputy Collector Mayank Patel ) માત્ર યુવતીને જ નહીં પરંતુ તેના પરિવારજનોને પણ આ જ પ્રકારના કૃત્ય દ્વારા પરેશાન કરતો હતો. આખરે મયંક દ્વારા અપાતો ત્રાસ સહન ન થતાં ભોગ બનનારી યુવતીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આ મામલે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. જેના પર કાર્યવાહી હાથ ધરતા સાયબર ક્રાઈમ બ્રાંચ મોડાસાથી મયંક પટેલને પકડીને અમદાવાદ લઈ આવી હતી. આરોપીના મોબાઈલમાંથી તે યુવતીને બિભત્સ ફોટા અને મેસેજ મોકલતો હોવાના પુરાવા પણ મળી આવ્યા હોવાનું સૂત્રોના હવાલેથી જાણવા મળી રહ્યું છે.
પોલીસે સઘન તપાસ હાથ ધરી