અમદાવાદઃ જિલ્લામાં પ્રવેશવાના માર્ગો પર હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરી કોરોનાનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં પ્રવેશવા માટેનો મુખ્ય માર્ગ સનાથલ ચાર રસ્તા છે, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 14 દિવસથી સનાથલ ચોકડી ખાતે હેલ્થ ચેકપોસ્ટ પર કોરોનાનું ટેસ્ટિંગ કરવા માટે હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ આવતી એસ.ટી. બસોમાં તેમજ ખાનગી વાહનોમાં આવતા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કર્યા બાદ જ અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ હેલ્થ ચેકપોસ્ટ પર મંગળવારે 38 એસ.ટી. બસ, 9 ખાનગી બસ અને 18 ખાનગી કાર સહિત કુલ 65 વાહનોના પ્રવાસીઓનું ટેસ્ટીંગ કરીને કુલ 730 લોકોનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 9 લોકોનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.