અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં સેવા બજાવતા જલ્પા ગાંધી 31 વર્ષની વયના છે. તેમને સાડા ત્રણ વર્ષની દીકરી પણ છે, છતા છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલમાં સેવા બજાવે છે. પરંતુ કોરોનાની મહારામારીના પગલે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફને એક કે બે સપ્તાહ એમ વારાફરથી મોકલવામાં આવે છે. ગત માસે જલ્પા ગાંધીએ આ વોર્ડમાં 15 દિવસ નોકરી કરી છે. હાલ તેઓ સિવિલ હોસ્પિટલમાં અન્ય વોર્ડમાં ફરજ બજાવે છે. પરંતુ જલ્પા ગાંધી આજે પણ એમ ઈચ્છે છે કે તેમની નોકરી કોરોના વોર્ડમાં આવે."
'મારે હજી કોરોના વોર્ડમાં જ ફરજ બજાવવી છે': નર્સ - 1200 બેડની હોસ્પિટલ
કોરોના મહામારીને નાથવો એક પડકાર જરૂર છે, પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમ પણે તેનો પડકાર કરી રહ્યું છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ- 19 જાહેર કરાયેલી 1200 બેડની હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા સફાઇની કામગીરી જેઓ સફળતાપૂર્વક વહન કરે છે, એવા સેવકો પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દર્દીઓની સેવામાં કાર્યરત છે.
સુશ્રુષા દેવી તરીકે ઓળખી શકાય એવા જલ્પા ગાંધી કહે છે કે, દર્દીઓની સેવા કરવી એ મારી મૂળ અને નૈતિક ફરજ છે. ભગવાને અમને દર્દીઓની સેવા કરવાની અમૂલ્ય તક આપી છે જે નિષ્ઠાપૂર્વક બજાવીએ છીએ. ગત માસે મારી નોકરી કોરોના વોર્ડમાં આવી હતી. મારે સાડા ત્રણ વર્ષની દીકરી છે એટલે મેં મારા મમ્મી-પપ્પાને ત્યાં એને રાખી છે. જેથી કરીને એને કોઈ પ્રકારનુ ઈન્ફેક્શન ન લાગે. આ વોર્ડમાં નોકરી દરમિયાન અમારે હોસ્પિટલના કેમ્પસમાં હોસ્ટેલમાં જ રહેવાનું હોય છે. એટલે ઘરે જવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય જ નહીં. પરંતુ આ વોર્ડમાંથી નોકરી પૂરી થાય અને અન્ય વોર્ડમાં ફરજ બજાવો તે સમયે તમે પોતાના ઘરે જઈ શકો છો. પરંતુ મેં સાવચેતીના ભાગરૂપે મારી દીકરીને મારા મમ્મી પપ્પા ને ત્યાં જ રાખી છે. જોકે કોરોનાના દર્દીઓની સેવા કરવીએ કદાચ મારા માટે સંતોષ મેળવવાનો સૌથી અમૂલ્ય અવસર છે. હતાશ થઈ ગયેલા દર્દીઓના ચહેરા પર એક સંતોષ તમે લાવી શકો તો એનાથી મોટી કોઈ વાત જ ન હોઈ શકે."
વધુમાં તેમને જણાવ્યું કે, ડોક્ટર સંજય સોલંકી અહીંની વ્યવસ્થા અને સંભાળ રાખે છે. નર્સિંગ સ્ટાફ ઉપરાંત વોર્ડબોય કે પેરામેડિકલના સ્ટાફના ડિપ્લોયમેન્ટ જેવું કામ કરે છે. તેઓ એવું કહે છે કે 'અહીં ફરજ બજાવતો સ્ટાફ ખૂબ ઉત્સાહપૂર્વક ફરજ બજાવે છે. દરેકના ઘરે કંઈકને કંઈક પારિવારિક સમસ્યાઓ હોય છે, પરંતુ તેની દરકાર કર્યા વિના આ લોકો અહીં સતત ફરજ બજાવે છે. દર્દીઓ માટે ભગવાન સમાન એવા ડૉક્ટરોની ફરજ નિષ્ઠા અને તેમનો સંવેદના પૂર્ણ અભિગમ પણ એટલો જ મહત્વનો છે. 1200 બેડની હોસ્પિટલમાં મહત્વની જગ્યા પર ફરજ બજાવતા ડોક્ટરોની ફરજનિષ્ઠાને સલામ કરવાનું મન થાય એવું છે.