- અમદાવાદ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટને 13 વર્ષ પૂર્ણ
- સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં થયા હતા 2 બોમ્બ બ્લાસ્ટ
- સિવિલ હોસ્પિટલમાં તબીબ દંપત્તી સહિત કુલ 39 લોકો માર્યા ગયા હતા
અમદાવાદ : 26 જુલાઈ 2008, આ દિવસ સમગ્ર અમદાવાદ માટે કાળો દિવસ બનીને રહેશે. સતત 70 મિનીટ સુધી 21 જેટલા બોમ્બ ધડાકાઓએ 56 લોકોનો જીવ લીધો હતો અને 200થી વધુને ઈજાગ્રસ્ત કર્યા હતા. બોમ્બ બ્લાસ્ટના ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવી રહ્યા હતા. ત્યાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એક પછી એક બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનાને ભલે 4745 દિવસો વીતી ગયા હોય, પરંતુ ઘટનાના ભણકારા આજે પણ તે સમયે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા પ્રત્યેક કર્મચારીના કાનમાં વાગી રહ્યા છે.
સેંકડો ઈજાગ્રસ્તો, વેરવિખેર પડેલા માનવઅંગો એક વર્ષ સુધી મારા મન અને દિમાગમાં રહ્યા
સિવિલ હોસ્પિટલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના સાક્ષી દિનેશભાઈ દૂધાત કહે છે કે, "બોમ્બ બ્લાસ્ટના ઈજાગ્રસ્તો માટે લોહીની અછત ન સર્જાય તે માટે હું સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવા આવ્યો હતો. થોડા સમય પહેલા જ બાપુનગરમાં બોમ્બ બ્લાસ્ટ થતા ઈજાગ્રસ્તોની સંખ્યા વધી હતી. સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીઓને લાવવામાં આવી રહ્યા હતા. ટ્રોમા સેન્ટર બહાર એક એમ્બ્યુલન્સ ઉભી હતી અને તેમાંથી દર્દીઓને બહાર લાવવામાં આવી રહ્યા હતા, એવામાં જ એક બોમ્બ બ્લાસ્ટે સમગ્ર હોસ્પિટલને હચમચાવી મૂકી હતી. મેં ખુદ આ બ્લાસ્ટને નજીકથી નિહાળ્યો હતો. સેંકડો ઈજાગ્રસ્તો, વેરવિખેર પડેલા માનવઅંગો અને લોકોની ચિચિયારીઓ; તે દ્રશ્યો એક વર્ષ સુધી મારા મન અને મગજમાંથી ખસ્યા ન હતા. આજે પણ હું જ્યારે એ દિવસ યાદ કરું છું ત્યારે કંપારી છૂટી જાય છે."
દર્દીઓની ચીસો, સ્વજનોનું રૂદન હ્રદય કંપાવી મૂકે તેમ હતા
"મને યાદ છે એ દિવસે સાંજે સમગ્ર શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા હતા. બધાએ એમ જ વિચાર્યું હતું કે, ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં જ સારવાર માટે લાવવામાં આવશે. જેથી આસપાસના સેવાભાવી લોકો પણ મદદ કરવા માટે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં એક તરફ લોહીલુહાણ લોકો આવી રહ્યા હતા. ડોક્ટરો અને હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓની સારવારમાં લાગી પડ્યો હતો. દર્દીઓની ચીસો, સ્વજનોનું રૂદન માનવીનું હ્રદય કંપાવી મૂકે તેમ હતું. એવામાં અંદાજે 40 મિનીટ બાદ સિવિલ હોસ્પિટલના તે સમયના ટ્રોમા સેન્ટરમાં એક પછી એક એમ 2 બ્લાસ્ટ થયા હતા." આ શબ્દો છે, અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં ઈજા પામેલા લોકોની સારવાર સાથે સંકળાયેલા ડો. રાકેશ જોશીના..
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કુદરતી અને માનવસર્જિત આપત્તિ સામે અડીખમ
ડો. જોશી હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડિશનલ સુપરિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમણે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ દરમિયાનનો અનુભવ રજૂ કરતા જણાવ્યું હતું કે, "ટ્રોમા સેન્ટર એટલે કે તાત્કાલિક સારવાર વિભાગને સિવિલ હોસ્પિટલનું હ્રદય ગણવામાં આવે છે. આતંકીઓ દ્વારા ત્યાં કરવામાં આવેલો હુમલો એ પાશવી ઘા હતો. જેને ક્યારેય નહીં ભૂલી શકાય." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "અમદાવાદ સિવિલ હોસ્પિટલ માનવસર્જિત અને કુદરતી એમ બન્ને આપત્તિ સામે અડીખમ ઉભુ રહ્યું છે. બોમ્બ બ્લાસ્ટ એ માનવસર્જિત આપત્તિ હતી, જ્યારે કોરોના એ કુદરતી આપત્તિ છે. આ બન્ને આપત્તિઓમાં હોસ્પિટલના એક એક તબીબો અને પેરામેડિકલ સ્ટાફ ખડેપગે દર્દીઓની સેવામાં હાજર હતા."