ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં હિંમત ન હારી, જાણો અમદાવાદના અશ્વિનભાઇ ઠક્કરની અનોખી સાહસકથા

કોરોના સંકટને કારણે દેશની કથળેલી આર્થિક પરિસ્થિતિમાં અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અનેક લોકોના ધંધા-રોજગાર બંધ થઇ ગયા છે તેમજ અનેકની નોકરી છીનવાઇ છે. સામાન્ય લોકોને પણ આવી પરિસ્થિતીમાં ઘર ચલાવવાના ફાંફા પડી જતા હોય તેવામાં અમદાવાદના જન્મથી પ્રજ્ઞાચક્ષુ એવા અશ્વિનભાઈ ઠક્કરે પોતાનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભરતાનું અનોખુ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે.

અમદાવાદના અશ્વિનભાઇ ઠક્કરની અનોખી સાહસકથા
અમદાવાદના અશ્વિનભાઇ ઠક્કરની અનોખી સાહસકથા

By

Published : Sep 13, 2020, 7:52 PM IST

અમદાવાદ: જોધપુર ગામ વિસ્તારમાં આવેલા સાનિધ્ય પાર્ટી પ્લોટમાં ફરસાણ વેચવાનો ધંધો કરતા પ્રજ્ઞાચક્ષુ અશ્વિનભાઈ ઠક્કર ગત માર્ચ મહિનામાં અમદાવાદની એક હોટેલમાં ટેલિફોન ઓપરેટરની નોકરી કરતા હતા પરંતુ તેમના લગ્ન થવાના લીધે હોટલમાંથી તેમને છૂટા કરવામાં આવ્યા. જો કે તેમને ખાતરી આપવામાં આવી હતી કે ફરી જ્યારે હોટલ ચાલુ થશે ત્યારે તેમને બોલાવવામાં આવશે. પરંતુ ત્યારપછી લોકડાઉન જાહેર થયું અને ઘરનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડવા લાગી. પરંતુ આવા કપરા સમયમાં પણ અશ્વિનભાઈએ હિંમત હારી નહી અને સ્વતંત્ર વ્યવસાય અપનાવી આત્મનિર્ભર બનવાનો નિર્ણય લીધો.

અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ અશ્વિનભાઇ ઠક્કરની આત્મનિર્ભરતા

અશ્વિનભાઈએ મે તથા જૂન મહિનામાં કેરી વેચવાની શરૂઆત કરી હતી. સીઝન દરમિયાન તેમણે 200 કિલો કેરીઓ વેચી. ત્યારબાદ તેમણે મીઠાઈઓ તથા ફરસાણ વેચવાનો વ્યવસાય શરૂ કર્યો જે હાલમાં પણ ચાલુ છે.

અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ અશ્વિનભાઇ ઠક્કરની આત્મનિર્ભરતા

અશ્વિનભાઈ જણાવે છે કે તેમણે તેમના જીવનમાં આજ સુધી ક્યારેય વ્યવસાય કર્યો ન હતો પરંતુ હાલ કોરોના મહામારીને લીધે તેમને આત્મનિર્ભર થવાની આ તક મળી. જો કે પ્રજ્ઞાચક્ષુ હોવાને કારણે માલની ડિલિવરી, રો-મટીરીયલ લાવવામાં ઘણી તકલીફ પડતી હતી પરંતુ તેમના મિત્રો અને સ્નેહીઓના સહયોગથી અત્યારે વ્યવસાય સારો ચાલી રહ્યો છે. અશ્વિનભાઈની આવનારા સમયમાં એક નાનકડી દુકાન શરૂ કરવાની ઈચ્છા છે તેમજ તેઓ હવે દશેરાના તહેવારમાં ફાફડા-જલેબી વેચવાની પણ તૈયારી કરી રહ્યા છે.

અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ અશ્વિનભાઇ ઠક્કરની આત્મનિર્ભરતા
અમદાવાદથી ઇશાની પરીખનો વિશેષ અહેવાલ.

ABOUT THE AUTHOR

...view details