અમદાવાદ: કલાકારો રૂપેશ અમીન અને બબલુ અમદાવાદીએ ફેસબુક પર અમદાવાદના ડૉક્ટરો વિરૂદ્ધ એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમના વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ જો કલાકારો રૂબરૂ આવીને માફી માંગે તો જ ફરિયાદ પાછી ખેંચવામાં આવશે તેમ જણાવતા કલાકારોએ સમાધાનરૂપે મીડિયા સમક્ષ ડૉક્ટરોની માફી માંગી હતી.
અમદાવાદના ડૉક્ટરો વિશે અભદ્ર ટિપ્પણી કરનારા કલાકારોએ માંગી માફી
અમદાવાદના મેડિકલ પ્રેક્ટિસનર્સ અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અંગે અમુક કલાકારો દ્વારા ફેસબુક પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હતી. જેથી આ મામલે અમદાવાદ મેડીકલ એસોસિએશન દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ આ કલાકારોએ મીડિયા સમક્ષ ડૉક્ટરોની માફી માંગી હતી. તેમજ ડૉક્ટરોએ ફરિયાદ પાછી ખેંચવાની બાહેંધરી આપી હતી.
ડૉ. મોના દેસાઈએ આ અંગે જણાવ્યું હતું, "અમે કોઈ કલાકારોની વિરુદ્ધમાં નથી અને તેમની પરિસ્થિતિ પ્રત્યે પણ સહાનુભૂતિ રાખે છે. આ સાથે જ તેમનું ભવિષ્ય બગડે તેવી કોઈ ઈચ્છા ધરાવતા નથી પણ જ્યારે પોતાની અને પરિવારની સલામતીની વાત આવે ત્યારે આ બાબતને હળવાશથી લઈ શકાય નહીં અને ભવિષ્યમાં આવો બનાવ બને તેના કારણે જ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. જો તેઓ માફી માંગે તો અમે પણ જરૂર કેસ પાછો લઇ લઈશું. અમે ખાલી નવરાત્રી જ નહીં, કોઈપણ જાતના મેળાવડા ન થાય તે બાબતે અપીલ કરી શકીએ છે પરંતુ સરકાર જ સંપૂર્ણ મંજુરી આપી શકે છે."