અમદાવાદઃ રાજ્યની અનેક હોસ્પિટલ જે ના કરી શકતી હોય તેવી અનેક જટિલ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સફળતા પૂર્વક કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ ખાતે 3 વર્ષના બાળકના પેટમાં નાળિયેર કદની ગાંઠની સર્જરી કરવામાં આવી છે.
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકની સફળ સર્જરી, નાળિયેર કદની ગાંઠ કરવામાં આવી દૂર બનાસકાંઠાના ડીસા તાલુકામાં ત્રણ વર્ષનો બાળક શિવમનું સાત મહિના પહેલા અચાનક જ પેટ દિન-પ્રતિદિન વધવા લાગ્યું. પેટના જમણી બાજુએ સોજો આવતાં તેને અસહ્ય દુખાવો થવા લાગ્યો. બાળકની આવી હાલત થતા પરિવાર પર અચાનક જ આભ તુટી પડ્યુ હતું. શિવમના પિતા પેટ્રોલ પંપ પર એક સામાન્ય નોકરી કરી પરિવારનું ભરણ-પોષણ કરી રહ્યા છે.
જાન્યુઆરી મહિનામાં શિવમના માતા-પિતા ડિસાની ખાનગી હોસ્પિટલમાં ચકાસણી અર્થે લઈ ગયા હતા. જ્યાં શિવમનું સીટી સ્કેન કરવામાં આવ્યું જેમાં તેના પેટમાં એક મોટી ગાંઠ હોવાનું જાણવા મળતા ડૉક્ટરોએ કેટલીક દવાઓની સારવાર શરૂ કરી જેથી તેને થોડું સારું થઇ ગયુ હતુ. પરંતુ થોડા સમય પછી તેને ફરીથી પેટમાં દુખાવો ઉપડતા તબીબોએ સર્જરી કરવવા માટે કહ્યુ હતું, પરંતુ આર્થિક ભીંસના કારણે મોંધી સર્જરી ખાનગી હોસ્પિટલમાં કરાવવું મુશ્કેલ બની રહ્યુ હોવાથી બાળકના પીતાએ અમદાવાદની સોલા સિવિલમાં પહોંચ્યા હતા.
સિવિલમાં બાળકનું ફરીથી સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. જેમાં મેસેન્ટ્રિક સિસ્ટ હોવાનું જણાઈ આવ્યું. આ સર્જરી જટીલ હોવાથી સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા અમદાવાદ સિવિલ ખાતે સર્જરી માટે મોકલવામાં આવ્યા હતા. 10 જૂલાઈના રોજ શિવમને અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે પિડિયાટ્રીક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમ દ્વારા બાળકની સફળ સર્જરી કરવામાં આવી હતી.
આ ઓપરેશનમાં એનેસ્થેસિયા વિભાગના ડૉ. જ્હાનવી પટેલે પણ પોતાનું યોગદાન આપ્યુ હતું. શિવમના પેટમાં ખૂબ જ મોટું મલ્ટીલોક્યુલેટેડ સિસ્ટ હતું જે મેસેન્ટ્રીમાંથી ઉ્દભવતુ હતું. માત્ર ફ્લુઇડ સાથેનું સિસ્ટ પેટમાંથી દૂર કરવું શક્ય નહોતું. નાના આંતરડાના લગભગ 15 ઘન સેન્ટિમીટર જેટલા કદના ભાગને કાપી નાખી નાના આંતરડાને મોટા આંતરડા સાથે જોડી દેવામાં આવ્યું હતું.
પિડિયાટ્રીક સર્જરી વિભાગના પ્રોફેસર અને વડા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે તેમના વિભાગ દ્વારા બાળકનું ઓપરેશન કરીને નાળિયેર જેવા કદની ગાંઠ નિકાળવામાં આવી છે. આ સર્જરીને મેડીકલમાં મેસેન્ટ્રિક સિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. મેસેન્ટ્રિક સિસ્ટ આંતરડાની સાથે જોડાયેલ હોય છે, જેનાથી આંતરડાને બ્લડ સપ્લાય મળી રહે છે. બે પડ વચ્ચે રહેલી આ ગાંઠની સાઈઝ ૧૦૪ ઘન સેન્ટિમીટર જેટલી હતી. અંદાજિત ૧૫ ઘન સેન્ટિમીટર કદ જેટલું આંતરડુ કાપીને ગાંઠ દુર કરી ફરીથી આંતરડાનું જોડાણ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન અઢી કલાક સુધી ચાલ્યુ હતું. ઓપરેશન બાદ બાળક સ્વસ્થ્ય રીતે હરીફરી શકે છે.