અમદાવાદ: પશ્ચિમ રેલવેએ ગુજરાતના અમદાવાદથી બાંગ્લાદેશ માટેની પહેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનનું લોડિંગ 8 ઓગસ્ટ, 2020ના રોજ પશ્ચિમ રેલવે અંતર્ગત અમદાવાદ મંડળના કાંકરિયા યાર્ડ ખાતે શરૂ થયું હતું. આ ટ્રેન લોડિંગ પૂર્ણ થયા પછી, તે દિવસે જ સાંજ સુધી રવાના થઇ છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળની નવગઠિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની આ અનોખી ઉપલબ્ધિ ભારતીય રેલવે પર પાર્સલ કારોબારના ક્ષેત્રમાં એક સીમા ચિહ્નરૂપ સાબિત થશે.
બાંગ્લાદેશના બેનોપોલ સ્ટેશન માટે અમદાવાદ પાર્સલ કાર્યાલયમાં VPU રેક માટે 20 VPU અને 1 SLRનું ઇન્ડેન્ટ હાલમાં જ જારી કરવામાં આવ્યું છે. આ રેકમાં ભરવામાં આવનારા આવશ્યક સામગ્રી એકત્રિત કરવાની મંજૂરી 8 ઓગસ્ટ, 2020 સુધી આપવામાં આવી છે.