- સરકાર પ્રાકૃતિક ખેતીને આપી રહી છે પ્રોત્સાહન
- 2005માં થયો હતો કૃષિમેળાનો પ્રારંભ
- આજે ગુજરાતમાં 250 જેટલી APMC
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન 2005માં કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી. રાજ્યના ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે-સાથે આજે આધુનિક ખેતી કરતા થયા છે. રાજ્યમાં ફ્રુટમાં પણ છેલ્લા 2 વર્ષમાં અસરકારક ઉત્પાદન જોવા મળ્યું છે. આ પ્રયાસોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર ફળ મહોત્સવનું આયોજન કરે છે. આજે અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે કૃષિપ્રધાન આર.સી.ફળદુ દ્વારા ફળ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે 05 દિવસ ચાલશે.
2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય
સરકારે વર્ષ 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યના ખેડૂતો પરંપરાગત ખેતી, પ્રાકૃતિક ખેતી, બાગાયતી ખેતી ક્ષેત્રે પણ વધુને વધુ ઉત્પાદન વધારે તે માટે સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. રાજ્યના ખેડૂતોની ખેતપેદાશોને પણ યોગ્ય ભાવ મળે તે માટે રાજ્યમાં 250થી વધુ એ.પી.એમ.સી. કાર્યરત કરવામાં આવી છે. આજે સરકારી એ.પી.એમ.સી.ની સાથે સાથે ખાનગી એ.પી.એમ.સી. પણ કાર્યરત છે.
દર વર્ષે કેરી ઉત્સવ ઉજવાય છે
રાજ્યમાં દર વર્ષે મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેના પગલે રાજ્યના બાગાયત ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતોને આકર્ષવાનો અને નાગરિકોમાં પણ કેરીની ગુણવત્તા તેની ઉપયોગીતાને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આ દિશામાં આગળ વધીને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કમલમ ફ્રુટ ફેસ્ટીવલનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.