અમદાવાદ: આ બે મહિનાના સમયગાળા દરમિયાન ધંધા અને ઉદ્યોગો બંધ રહ્યાં જેથી ઉદ્યોગોને આર્થિક નુકસાન પણ વેઠવું પડયું છે. સરકાર દ્વારા અર્થતંત્રને ધબકતું રાખવા 20 લાખ કરોડનું પેકેજ જાહેર કરાયું છે. જેમાંથી ત્રણ લાખ કરોડ મધ્યમ અને નાના ઉદ્યોગ માટે ફાળવવામાં આવ્યાં છે. આ મધ્યમ અને નાના ઉદ્યોગોનો સમાવેશ એમ.એસ.એમ.ઈ સેક્ટરમાં થાય છે. જેમાં સામાન્ય રીતે 25 લાખથી લઈને 10 કરોડ રૂપિયા સુધીનું મૂડીરોકાણ હોય છે અને 5 વ્યક્તિઓથી લઇને 100 જેટલા વ્યક્તિઓ તેમાં કામ કરતા હોય છે. આ કોટેજ ઇન્ડસ્ટ્રી મોટાપાયે શ્રમપ્રધાન હોય છે. જેથી રોજગારી પુરી પાડવાની દ્રષ્ટિએ અન્ય ઉદ્યોગોની સરખામણીમાં એમ.એસ.એમ.ઇ સેકટર સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે. સૌથી વધુ ઉદ્યોગસાહસિકો આજ સેકટરમાંથી આગળ આવે છે.
2 મહિના બાદ અમદાવાદમાં શરૂ થયા નાના ઉદ્યોગો, પરંતુ તકલીફો અનેક! - લૉકડાઉન
કોરોના વાઇરસ જ્યારે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે વિશ્વના મોટા અને વિકસિત દેશોએ તેને ફેલાતો અટકાવવા લૉકડાઉનનું માધ્યમ અપનાવ્યું હતું. ભારતે પણ આ માધ્યમ અપનાવ્યું અને બે મહિના જેટલા લૉકડાઉનના સમયગાળા દરમિયાન ધંધા અને રોજગાર બંધ રહ્યાં હતાં. પરંતુ પહેલી જૂનથી સમગ્ર દેશ અને અર્થતંત્રને અનલૉક કરવાની કામગીરી શરૂ થઈ છે.
સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કારખાનાને સેનિટાઈઝ કરીને, માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને કામ કરવામાં આવી રહ્યું છે. બીજા કેટલાક રાજયોમાં હજુ પણ લૉકડાઉનમાં છૂટછાટ ન હોવાથી ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ હોવાથી માલ મોકલવામાં અને કાચો માલ મેળવવામાં તકલીફ પડી રહી છે. જ્યારે અત્યારે ફક્ત અગાઉ ઓર્ડર લીધા હતાં તેે પૂરું કરવાનું કામ ચાલી રહ્યું છે. નવા ઓર્ડર મળી રહ્યાં છે,પરંતુ ઓછી માત્રામાં મળી રહે છે. સરકારે MSME સેકટર માટે ત્રણ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે પરંતુ તે લોન સ્વરૂપે છે.