અમદાવાદ : કોરોના વાઇરસના કારણે લાગેલા લોકડાઉન બાદ અનલોકમાં વિવિધ મંજૂરી આપ્યા બાદ જનજીવન ધીમે-ધીમે પાટા ઉપર આવી રહ્યું હોય તેવું લાગે છે. જો કે, શહેરના પૂર્વ વિસ્તારમાં ધમધમી રહેલી ફેકટરીના માલિકો જાણે કે, કામદારોની જીંદગી સાથે રમત રમી રહ્યા હોય તેવું જણાઇ રહ્યું છે. માલિકોની બેદરકારીએ અનેક કામદારોએ જીવ ગુમાવ્યા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે દાણી લીમડામાં લિફ્ટમાં ફસાઈ જવાથી એક નિર્દોષ કામદારે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.
અમદાવાદમાં 3 દિવસ પહેલા નોકરીએ લાગેલા યુવકનું લિફ્ટમાં ફસાઈ જવાથી મોત - અનલોક-4
અમદાવાદમાં દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે આવેલી મરી મસાલાનો સપ્લાય કરતી ન્યુકી ગ્લોબલ ફૂડ ક્રોપ કંપનીમાં કામ કરતા યુવાનનું લિફટમાં ફસાઇ જવાથી મોત નીપજ્યું હતું.
![અમદાવાદમાં 3 દિવસ પહેલા નોકરીએ લાગેલા યુવકનું લિફ્ટમાં ફસાઈ જવાથી મોત Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8698653-527-8698653-1599373742153.jpg)
દાણી લીમડાના બેરલ માર્કેટ પાસે આવેલી મરી મસાલાનો સપ્લાય કરતી ન્યુકી ગ્લોબલ ફૂડ ક્રોપ કંપનીમાં બપોરના સમયે રવિ પરમાર નામનો કામદાર લિફ્ટમાં સમાન મૂકવાનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ લિફ્ટમાં ફસાઈ જવાથી તેને ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. પોલીસનું કહેવું છે કે, મૃતક યુવાન છેલ્લા ત્રણ દિવસથી આ ફેકટરીમાં કામે લાગ્યો હતો અને લેબર કામ કરતો હતો.
શનિવારનો દિવસ તેના માટે કાળ બનીને આવ્યો અને બપોરના સમયે લિફ્ટમાં ફસાતા તેનું મોત થયું હતું. જો કે, સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ સમગ્ર ઘટનામાં કોની બેદરકારી છે તે અંગે પણ હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.