- હોમ આઇસોલેશન થયેલા લોકોને ઘર પર ટિફિન પહોંચાડે છે
- રોજ સવારે અને સાંજે પહોંચાડે છે 50 પરિવારોને શુદ્ધ ખોરાક
- પોતાના પરિવારની મદદથી કરી આ કાર્યની શરૂઆત
અમદાવાદઃ કોરોના કાળમાં સરકારની સાથે સાથે ઘણી બધી સંસ્થાઓ પોત પોતાની રીતે કંઈકને કંઈક સમાજને મદદરૂપ થઇ શકે તે પ્રકારના કામ કરી રહી છે. આ સમયમાં જ્યારે સરકાર દ્વારા કોરોનાના કેસમાં ઘટાડો કરવા માટે મીની લોકડાઉન જેવો માહોલ સર્જાયો છે અને જેના કારણે નાના વેપારીઓ અને દરેક ધંધા-રોજગારમાં પણ અસર થઈ રહી છે તેવા સમયમાં સૌથી મોટો પ્રશ્ન ઘરમાં રહીને જમવા માટેનો થઈ રહ્યો છે. આ સમયમાં પણ જે લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે અને પરિવારમાં કોઈ જમવાની સગવડતા કરી શકે તેમ નથી તેવા પરિવારોને અમદાવાદનો એક યુવાન અંકિત શાહ ફક્ત 1 રૂપિયામાં તેમના ઘરે ટિફિન પહોંચાડે છે.
આ પણ વાંચોઃ વડોદરા સ્વામિનારાયણ મંદિર લોયાધામ જનસેવાના સંકલ્પ સાથે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરાઇ
અંકિત શાહ એક રેસ્ટોરન્ટ ધરાવે છે
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર ખાતે નાનું રેસ્ટોરન્ટ ધરાવતા અંકિત શાહ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતાજીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ઘરમાં બીજા લોકોને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સમયે જમવા માટે ખૂબ પ્રોબ્લેમ થતો હતો અને બધાને કોરોના નેગેટિવ આવ્યા બાદ તેમના માતાએ આ કાર્ય શરૂ કરવા માટેની પ્રેરણા આપી હતી.