- સસ્તા અનાજનું કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપાયું
- સરકારી રેશન કાર્ડ ધારકોના હકનું સસ્તું બરોબાર થતું હતું સગેવગે
- એપ્લિકેશન બનાવી આચર્યું રાજ્ય વ્યાપી કૌભાંડ
- ખોટા બીલ બનાવી સસ્તા અનાજનો જથ્થો સગેવગે કરાયું
અમદાવાદ: ગરીબ જનતાને સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા અનાજનું રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. જેમાં બનાસકાંઠાની સરકારી કચેરીમાં કામ કરતા અને કૌભાંડના મુખ્ય આરોપી રફીક મહેસાણીયા, જાવેદ રંગરેજ, લતીફ માણેસિયા અને મુસ્તફા માણેસિયા સહિત ક્રાઇમ બ્રાન્ચે 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠાની સરકારી કચેરીમાં કામ કરતા આ આરોપીઓને સસ્તા અનાજને સગેવગે કરવાનો પ્લાન બનાવ્યો અને તેમણે ગેમસ્કેમ અને સેવડેટા નામના સોફ્ટવેર બનાવી સરકારી અનાજની દુકાનના ધારકોને પોતાના ષડયંત્રમાં ફસાવ્યા અને છેલ્લા બે વર્ષથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સસ્તા અનાજને ગેરકાયદે સગેવગે કરી કરોડો રૂપિયાના કૌભાંડને અંજામ આપ્યો છે.
સરકારી રેશનકાર્ડ ધારકોના હકનું અનાજ બારોબાર વેચવાનું કરોડોનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું ટેક્નૉલોજીનો ઉપયોગ કરીને કરાયું કૌભાંડસસ્તા અનાજનું ષડયંત્ર એટલું મોટું થઈ ગયું હતું કે અનેક લોકો આ કૌભાંડનો ભાગ બની ગયા. ક્રાઇમ બ્રાન્ચને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તપાસ દરમ્યાન 8 આરોપીઓની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં બહાર આવ્યું કે પાલનપુરના કૌશિક જોશી અને હિતેશ ચૌધરીએ ગેમસ્કેમ અને સેવડેટા નામની એપ્લિકેશન રૂપિયા 70,000 બનાવી આપી હતી. તેની સાથે MSC IT માં અભ્યાસ કરતો દિપક ઠાકોર પણ જોડાયો હતો. આ તમામ આરોપીઓ સોફ્ટવેરના માધ્યમથી સસ્તું અનાજ મેળવતા ગ્રાહકોના નામ, આધારકાર્ડ, રેશનિંગ કાર્ડ, સરનામું ચાર અલગ અલગ ડેટા મેળવી લેતા હતા. ગ્રાહકની આ તમામ વિગતો મેળવીને સસ્તા અનાજનું બરોબર સોદો કરી દેવામાં આવતો હતો. અત્યાર સુધીમાં સસ્તા અનાજના ષડયંત્રમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમ્યાન સોફ્ટવેરમાંથી 35,962 એન્ટ્રીઓ મળી આવી હતી. આરોપીઓ છેલ્લા બે વર્ષથી આ કૌભાંડ આચરતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચને આશંકા છે. ક્રાઇમ બ્રાન્ચને આશંકા છે કે આ કેસમાં 49 આરોપીઓ ઉપરાંત પડદા પાછળ અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે છે.
ઝડપાયેલા આરોપીઓની ચાલી રહી છે પૂછપરછ
અત્યારે તો આ કેસમાં ઝડપાયેલા 8 આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર અને સુરતના સસ્તા અનાજની દુકાનના તમામ ધારકોના કૌભાંડી ચહેરાઓ બેનકામ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કૌભાંડમાં ખોટા બીલ બનાવ્યા અને અન્ય પાસે બનાવડાવીને સસ્તા અનાજના જથ્થોને સગેવગે કરવામાં આવતો હતો. આગામી સમયમાં આ કેસમાં સંખ્યા બંધ આરોપીઓ અને મસમોટું રેકેટ ખુલશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: સરકારી રેકોર્ડ બનાવવાનું વ્યાપક કૌભાંડ પકડાયું, સાયણ તલાટીઓ અને સરપંચે કર્યું કૌભાંડ