- ઘોઘા અને હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ થશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે
- સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે
- સામાન્ય રીતે 10-12 કલાક લેતી માર્ગ હજીરા-ઘોઘા પ્રવાસ રો-પેક્સથી 4 કલાકમાં પૂર્ણ કરી શકાશે
- રો-પેક્સથી રોડ પરનું ભારણ ઘટશે
- ટ્રાફિક સમસ્યા બનશે હળવી
- પ્રવાસ સસ્તો થશે અને પર્યાવરણની જાળવણી થશે
અમદાવાદઃ શહેરમાં મનસુખ માંડવીયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રોરો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. જેમાં ગુજરાતના CM વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના લોકો માટે આ PM તરફથી દિવાળીની ભેટ સાબિત થશે.
રો-પેક્સ ફેરી સેવાની જરૂરિયાત
મનસુખ માંડવિયાએ વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. જો કે, પોતાના મૂળ વ્યવસાય ખેતી અને માદરે વતનને કયારેય ભૂલી શક્યા નથી. સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકનો માર્ગ પ્રવાસ કરવો પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ પ્રવાસ માત્ર 4 કલાકનો થઇ જશે. વળી, લોકો પોતાની સાથે બાઇક કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલા સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું. આમ આ સેવા સૌરાષ્ટ્ર લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
રો-પેક્સ સર્વિસનો ફાયદો
રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે 5 લાખ પ્રવાસી, 80,000 પેસેન્જર વાહનો, 50,000 ટૂ-વ્હીલર અને 30,000 ટ્રકની અવરજવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 170 કિ.મી છે. જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર 90 કિમી જેટલું રહેશે. જેને કારણે ઇંધણની મોટી બચત થશે. રો-પેક્સ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે 9,000 લીટર ઇંધણની બચત થશે. જેનાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરી શકાશે. એક અંદાજ મુજબ, પ્રતિ દિવસ 3 ટ્રીપ પ્રમાણે, પ્રતિ દિન 24 એમટી કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાશે. રો-પેક્સ સેવાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે અવરજવર ઓછી ખર્ચાળ અને સુગમ બનશે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જિલ્લાઓ આર્થિક રીતે મજબૂત બનશે તથા ધંધા-રોજગારીની નવી તકો ઉભી થશે. રો-પેક્સને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માર્ગ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે. જેથી સૌરાષ્ટ્રને રો-પેક્સ થકી એક મોટું બજાર મળશે. આમ, રો-પેક્સ સેવા માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થશે.
- પ્રતિ દિવસ 100 ટૂ વહીલર સમાવી શકાશે
- પ્રતિ દિવસ 550 પ્રવાસી આ ફેરી સર્વિસમાં પ્રવાસ કરી શકાશે
- કોઈપણ પ્રકારના વાતાવરણમાં આ ફેરી સર્વિસ શરૂ રહેશે
- પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સાથે કાર્ગો ટ્રાન્સપોર્ટેશનને ફાયદો થશે
રો પેક્સ ફેરીની ક્ષમતા
મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, આ રો પેક્સ ફેરીમાં 30 ટ્રક (50 મેટ્રિક ટન વજન સહિત), 7 આઇસર, 100 પેસેન્જર કાર, 500 પેસેન્જર + 34 શીપ ક્રૂ મેમ્બરનો સમાવેશ થશે.