- અમદાવાદ સિવિલમાં ઓર્ગન ડોનેશન અંગે કરવામાં આવશે કાર્યક્રમો
- અત્યાર સુધીમાં 8 દર્દીઓનું થયું ઓર્ગન ડોનેશન
- સિવિલમાં કુલ 36 અંગોનું થયું અંગદાન
અમદાવાદ: સિવિલ હોસ્પિટલ બ્રેઇન ડેડ દર્દીના સ્વજનો દ્વારા અંગદાનનો હ્યદયસ્પર્શી નિર્ણય સમાજ માટે ઉદાહરણરૂપ છે. અંગદાન કરનારા સ્વજનોના આવા ઉમદા કાર્યને બિરદાવવાની આપણી ફરજ બને છે. અંગદાન સમયે આપવામાં આવેલા સન્માનપત્રના કારણે બ્રેઇનડેડ અંગદાતાના સ્વજનોને અંગ પ્રત્યારોપણની જરૂર જણાશે ત્યારે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે તેવું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું છે.
આ પણ વાંચો- વિશ્વ અંગદાન દિવસ 2021ઃ ભારતમાં અંગ પ્રત્યારોપણની વાટ જોતાં લાખો દર્દીઓ
અંગદાન એક મહાનકાર્ય છે
આપણા સમાજની એક ખાસિયત છે. ઘણી વખત અહીં ખુબ જ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારજનો પણ ખુબ મોટા કાર્યો કરી જાય છે. જે અન્યો માટે પ્રેરણારૂપ બની રહે છે. અંગદાન આવું જ એક મહાનકાર્ય છે, પૈસેટકે સુખી કહેવાતા સાક્ષર-શિક્ષિત લોકો જે નિર્ણય લેવામાં કેટલીક વખત ખચકાતા જોવા મળે છે એ અંગદાનનું મહાન કાર્ય કરવામાં માલેતુજારોની તુલનાએ ગરીબ માણસો અવ્વલ રહ્યાં છે.
36 ઓર્ગન ડોનેશન સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે
આવા જ નાના લોકોના પરિવારોએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ સિવિલમાં અંગદાનનું મુઠ્ઠીઊંચેરું કાર્ય કરીને સમાજને સાચો રાહ ચીંધ્યો છે. છેલ્લા એક વર્ષમાં 8 દર્દીઓના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં લીવર -8, કિડની -13, આંખો -14, સ્વાદુપિંડ -1 જેવા અલગ-અલગ અંગો મળી કુલ 36 ઓર્ગન ડોનેશન સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે.
અંગોના દાનથી કોઇ જરૂરિયાતમંદને નવજીવન મળી શકે છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદીએ ETV Bharat સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, માનવીની વાત કરીએ તો જન્મ અને મૃત્યુ તે કોઈ માણસના હાથની વાત નથી, પરંતુ જ્યારે આપણને ખબર હોય કે આપણું વ્હાલું સ્વજન હવે વધુ સમય સુધી જીવી શકે તેમ નથી. ત્યારે જો સમજદારીપૂર્વક તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવે તો તેનાથી કોઇ જરૂરિયાતમંદને નવજીવન મળી શકે છે.
અંગદાન થકી કોઈક કુટુંબનો માળો પિંખાતો બચાવી શકે
વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પોતાનું વ્હાલું સ્વજન વધુ જીવવાનું ન હોવાનું જાણીને તે દર્દીનું આપવામાં આવેલું અંગદાન કોઇનો કુટુંબનો માળો પિંખાતો બચાવી શકે છે. અંગદાનના માધ્યમથી આપણે જરૂરિયાતમંદ લોકોના શરીરમાં આપણા સ્વજનના અંગોને કાર્યરત જોઇને આપણું સ્વજન મૃત્યુ બાદ પણ જીવિત હોવાનો અહેસાસ અનુભવી શકીએ છીએ. અંગદાન એકમાત્ર એવો સાચો રસ્તો છે કે જે મૃત્યુ બાદ પણ માણસને જીવિત રાખે છે, અમર બનાવે છે.
આ પણ વાંચો- ભરૂચ જિલ્લાનું સૌપ્રથમ અંગદાન કરાયું - Brain Deadના અંગદાનથી 3 લોકોને મળ્યું નવુ જીવન
સિવિલમાં કેટલા અંગોનું થયું દાન?
મોદીએ વધુમાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલની SOTTO ટીમ દ્વારા હમણાં તાજેતરમાં 85 દિવસના ટૂંકા ગાળામાં બ્રેઇનડેડ દર્દીઓના અંગદાન માટેની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. એક જ અઠવાડિયામાં થયેલા 3 અંગદાન અને તેના થકી 9 વ્યક્તિઓને મળેલું નવજીવન તેની પુષ્ટિ કરે છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં 8 દર્દીઓ તરફથી મળેલા અંગોના દાનનું યોગ્ય રીતે અન્ય વ્યક્તિઓના જીવનમાં જીવનદાન રૂપી આપવામાં આવ્યા છે. જ્યારે આગામી સમયમાં પણ સમાજમાં વધુમાં વધુ લોકો અંગદાન માટે આગળ આવીને અંગદાનની જરૂરિયાત ધરાવતા લોકોને નવજીવન બક્ષે તેવી આશા ડૉ. મોદીએ વ્યક્ત કરી હતી.