અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે સગીરને પોલીસ દ્વારા માર મારવાની ઘટના (Police beat two minors in Chandkheda) સામે આવી છે. ગત બુધવારે આ બન્ને સગીર પોતાના અભ્યાસ અર્થે હાઈસ્કૂલ ગયા હતા અને વાલીઓ પર ફોન આવ્યો કે તમારા બાળકોને ચાંદખેડા પોલીસની PCR વાનમાં બેસાડીને અવાવરું જગ્યા લઇ જવાયા છે અને ત્યાં તેને પોલીસ કર્મીઓએ ઢોર માર (constable beat two minors) માર્યો છે, જેનાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ વાત સાંભળી સગીરના વાલીઓ તાત્કાલિક આ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
સગીરને નજીવી બાબતની આટલી મોટી સજા આપી
પરિવારે સગીરની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, પોતાની સાથે જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની મજાક કરી હતી, જેને કારણે તે વિદ્યાર્થીએ ધર્મના બનાવેલા મામા એવા પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચાવડાને જાણ કરી હતી. જે તેની મજાક કરવામાં આવી છે તે વાત ને લઇને મહિપાલસિંહ ચાવડાએ બન્ને સગીરને સમાધાન કરવા માટે બોલાવ્યા અને PCR વાનમાં બેસાડીને અવાવરું જગ્યા પર લઈ જઈને અપશબ્દો બોલીને પોલીસની લાકડીથી ઢોર માર માર્યો હતો. પોલીસ કર્મી મહિપાલસિંહ ચાવડાએ પોતાની વર્દીનો ખોટી રીતે દુરુપયોગ કરીને માસુમ સગીરને નજીવી બાબતની આટલી મોટી સજા આપી હતી.