ગાંધીનગરઃ 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ખાતે 1950માં નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાનું નામ દામોદરદાસ મોદી છે, તેમજ તેમની માતાનું નામ હીરાબેન મોદી છે. તરુણાવસ્થાથી જ તેમને ગૃહત્યાગ કર્યો હતો અને તેઓ ક્યારેય પોતાનો જન્મદિવસ ઉજવતા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવા કાર્યો કરીને વડાપ્રધાનનો જન્મ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે કમલમ ખાતે પ્રદર્શનીનું આયોજન કરાયું આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ત્યારે તેમના હોમટાઉન ગુજરાતમાં પણ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ગુજરાત તેમની જન્મભૂમિ અને કર્મભૂમિ બન્ને છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના મુખ્ય પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે તેમના જીવન આધારિત ફોટો પ્રદર્શની યોજવામાં આવી છે. જેમાં તેમના જીવનના જુદા જુદા તબક્કાઓને વણી લેવામાં આવ્યા છે. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન અગ્રણી ઉદ્યોગપતિ અને નિરમા ગ્રુપના ચેરમેન કરસન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનીમાં નરેન્દ્ર મોદી જ્યારે નાના હતા, ત્યારે તેમને કેવી રીતે તળાવમાંથી મગરના બચ્ચાને બહાર કાઢયું હતું. ત્યારબાદ તેઓ વડનગર રેલવે સ્ટેશન ઉપર ચા વેચતા, 1962ના ચીન સાથેના યુદ્ધના સમયે સૈનિકોને ચા પીવાડાવતા, યુવાવસ્થામાં તેઓ સંન્યાસી બનીને હિમાલયની કંદરાઓમાં વિચરણ કરતા, તેમજ વારાણસીમાં ગંગા આરતીમાં સામેલ થતા વગેરે દ્રશ્યો ઉભા કરવામાં આવ્યા છે.
નરેન્દ્ર મોદી ભાજપના કાર્યકર બન્યા હતા. જે દરમિયાન લાલકૃષ્ણ અડવાણી અને અટલબિહારી બાજપેયી જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે તેઓ સંપર્કમાં આવ્યા હતા. કાશ્મીરના લાલચોકમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવાની વાત હોય કે, પછી બાબરી ધ્વંસની વાત હોય તેઓ હંમેશા આગળ રહ્યા હતા. તેઓ ગુજરાતના રાજકારણમાં કેશુભાઈ પટેલના સંપર્કમાં આવ્યા બાદ 2001ના ધરતીકંપ વખતે સેવા કાર્યો કર્યા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમના કાર્યોથી ખુશ થઈને તેમને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવ્યા હતા. 2002માં ગુજરાતમાં કોમી રમખાણો થયા, પરંતુ ત્યારબાદ તેમના મુખ્યપ્રધાન પદે 2014 સુધી ગુજરાત શાંતિ અને પ્રગતિના પંથે આગળ વધતું રહ્યું હતું.
નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યપ્રધાન કાળ દરમિયાન ખાસ કરીને દીકરીઓને ભણાવવાની અને તેમને આગળ લાવવાની વાત, 'વાઇબ્રન્ટ ગુજરાત' થકી સમગ્ર વિશ્વના રોકાણકારોને ગુજરાતમાં લાવવાની વાત, જે મોડલ પછી દેશના અન્ય રાજ્યોએ પણ અપનાવ્યું, પતંગોત્સવ, નવરાત્રી જેવા અનેક તેમના કાર્યોની પણ અહીં ઝાંખી જોવા મળે છે. ગુજરાતના વિકાસ મોડલને લઈને 2014ની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક મતોથી જીત્યા હતા. જે બાદ વડાપ્રધાન બન્યા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી, મેક ઇન ઇન્ડિયા, તેમની આંતરરાષ્ટ્રીય કૂટનીતિ, રામમંદિર, ટ્રિપલ તલાકનો કાયદો વગેરેનો સમાવેશ પણ અહીં કરવામાં આવી છે.
17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિન નિમિત્તે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ 'સેવા સપ્તાહ' કાર્યક્રમ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ, દિવ્યાંગોને સાધન-સહાય, વૃક્ષારોપણ કાર્યક્રમ વગેરે જેવા કાર્યક્રમો ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકરો દ્વારા યોજવામાં આવ્યા છે. ત્યારે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે મોટાપાયે કાર્યકરો તેમજ નાગરિકો આ પ્રદર્શનની મુલાકાત લે તેવી સંભાવના છે.