અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી વધુ એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. પાકા કામના કેદીના બેરેકમાંથી પેપરમાં સંતાડેલ મોબાઈલ ફોન અને ચાલુ સીમકાર્ડ મળી આવ્યા હતા. જે મામલે પાકા કામના કેદી સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો છે.
અમદાવાદ સેન્ટ્રલ જેલમાં વધુ એક મોબાઈલ મળ્યો, કેદીએ બેરેકમાં સંતાડ્યો હતો મોબાઈલ
જેલમાંથી મોબાઈલ ફોન મળવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદની સાબરમતી જેલમાંથી ફરી એકવાર મોબાઇલ ફોન મળી આવ્યો છે. પાકા કામનો કેદી રાહુલ ત્રિવેદી મોબાઈલ ફોન મુકતા સીસીટીવીમાં કેદ થયો હતો. જેથી કેદી સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો છે.
સાબરમતી જેલના જેલર ભયજીભાઈ રાઠવાએ ફરિયાદ નોધાવી છે કે, તેઓ અન્ય સ્ટાફ સાથે જેલમાં ઝડતીની કાર્યવાહી કરી રહ્યાં હતાં, ત્યારે સપાસ બડા ચક્કર યાર્ડ નંબર-2ના બેરેક નંબર-22માં અંદરના ભાગે પાકા કામના કેદીઓની અંગ ઝડતી કરી હતી, ત્યારે બિસ્તર સર સામાનની ચકાસણી કરતા બેરેકના મંદિર પાસેના બારીમાંથી ન્યૂઝપેપરમાં સંતાડેલો મોબાઈલ ફોન અને સીમકાર્ડ મળી આવ્યાં છે.
મોબાઈલ મળ્યા બાદ કેદીઓની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે કોઈ કબૂલાત કરી નહોતી. જેથી સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતાં, ત્યારે પાકા કામનો કેદી રાહુલ ત્રિવેદી મોબાઈલ ફોન મુકતો દેખાયો હતો. જેથી રાહુલ નામના કેદી સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો હતો.