કપડવંજ ખાતે રહેતા કિશોરીના પિતા ભરતભાઈ મકવાણાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, છેલ્લા 6 મહિનાથી તેમના સાળા તરફથી તેમની 17 વર્ષની દીકરી પર લગ્ન માટે દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં મારી દીકરીને મારી સાથે સંબંધ નહીં રાખવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. આ કારણે મારી દીકરી રિદ્ધિએ 20 ઓગસ્ટના રોજ પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો.
અમદાવાદમાં લગ્ન માટે દબાણ કરાતા સગીરાએ કર્યો આપઘાત - ahmedabad news
અમદાવાદ: શહેરના નિકોલમાં 17 વર્ષીય સગીરાએ આપઘાત કર્યો છે. આ મામલે સગીરાના મામા અને મામી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મામા અને મામી કિશોરીને લગ્ન માટે દબાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. માતાનું મોત થયા બાદ કિશોરીને મામા પક્ષના લોકો પોતાના ઘરે લઈ ગયા હતા. આ મામલે નિકોલ પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે ભરતભાઈની પત્નીનું આઠ વર્ષ પહેલા મોત થયું હતું. લગ્ન જીવનથી તેમને બે સંતાનો હતા. જેમાં મોટી દીકરી હતી અને તે પછી એક દીકરો હતો. પત્નીના મોત બાદ દીકરીના મામા તેને પોતાના ઘરે લઈ ગયા હતા. દીકરીના પિતાએ આપેલી ફરિયાદ પ્રમાણે તેમનો સાળો રોહિત અને રોહિતની પત્ની પોતાની ભાણેજને લગ્ન માટે દબાણ કરતા હતા. આ મામલે ભરતભાઈની દીકરીએ પિતાને અનેક વખત ફરિયાદ પણ કરી હતી. કિશોરીના કહેવા પ્રમાણે તેણી લગ્ન માટે ના પાડતી ત્યારે તેના મામા અને મામી તેને ઘરમાંથી કાઢી મૂકતા હતા. ફરિયાદમાં જણાંવ્યા પ્રમાણે 20મી ઓગસ્ટે પિતાના મોબાઈલમાં દીકરીનો ફોન આવ્યો હતો અને મામા અને મામીના ત્રાસથી તેણીએ કંટાળી ગઈ હોવાની ફરિયાદ કરી હતી. એજ સાંજે દીકરીના પિતાને તેમના સાળાએ ફોન કરીને જણાવ્યું હતું કે એ પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો છે.