અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચાર રસ્તા નજીક આવેલી શિલ રત્ન બિલ્ડિંગના સાતમા માળે આગ લાગતાં નાસભાગ મચી હતી. આગની ઘટનાની જાણ અમદાવાદ ફાયર બ્રિગેડને થતાં ફાયરની 5 ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
CG રોડ પર આવેલી શિલ રત્ન બિલ્ડિંગમાં લાગી આગ રવિવારે સાંજ સમયે અચાનક લાગેલી આગથી દોડધામ મચી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે સ્ટૂડિયો દર્શાવતા બોર્ડની ઓફિસમાં આગ લાગી હતી. જેથી પોલીસે એક તરફનો રસ્તો બંધ કર્યો હતો. આ ઉપરાંત બીજી તરફ પોલીસના જવાનોએ ફસાયેલા 10થી વધુ લોકોને હેમખેમ રીતે બિલ્ડિંગ નીચે ઉતાર્યા હતા.
CG રોડ પર આવેલી શિલ રત્ન બિલ્ડિંગમાં લાગી આગ આ બિલ્ડિંગમાં ફસાયેલા 10 લોકોને કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાળાએ બચાવ્યા હતા. યુવરાજસિંહે ETV Bharatના સંવાદદાતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તે બિલ્ડિંગના સાતમા માળે પહોંચ્યા ત્યારે સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો પ્રસરી ગયો હતો, પરંતુ એક ઓફિસમાંથી કેટલાક માણસોનો અવાજ તેમને સંભળાઈ રહ્યો હતો. જેથી યુવરાજસિંહ ત્યાં પહોંચ્યા અને તમામ લોકોને સલામત રીતે નીચે ઉતારવાની કવાયત હાથ ધરી હતી. ત્યારબાદ તેમની સાથે રહેલા પોલીસ કર્મીઓ બિલ્ડિંગના આઠમા અને નવમા માળે પહોંચ્યા હતા. ત્યાં પણ લગભગ 10 જેટલા લોકો ફસાયા હતા. જેથી તે તમામ લોકોને સલામત રીતે નીચે ઉતાર્યા હતા. આ દરમિયાન ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
આજે રવિવારનો દિવસ હોવાથી બિલ્ડિંગમાં મોટાભાગની ઓફિસો બંધ હતી. જેના કારણે એક મોટી જાનહાની થતાં અટકી ગઇ હોવાનું ફાયર વિભાગનું અનુમાન છે. આ સાથે જ ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
ફાયર વિભાગને બિલ્ડિંગની ફાયર સેફ્ટી અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી તો લગાવવામાં આવી છે પરંતુ કાર્યરત નથી.