- કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટસ ગુજરાત રિઝયનની ઓફિસમાં લાગી આગ
- આગ લાગતા સમગ્ર બિલ્ડીંગ ખાલી કરાવાઈ
- બિલ્ડીંગની ફાયરસિસ્ટમ કામમાં ન આવી
અમદાવાદ: શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલી P&T બિલ્ડીંગના છઠ્ઠા માળે એક ઓફિસમાં આજે ગુરુવારે અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટસ ગુજરાત રિઝયનની ઓફિસમાં ફર્નિચર અને ઇલેક્ટ્રિકનું કામકાજ ચાલુ હતું, તે દરમિયાન પ્રાથમિક વિગત પ્રમાણે શોટ સર્કિટથી આગ લાગતા સંપૂર્ણ બિલ્ડીંગને ખાલી કરવાની ફરજ પડી હતી. આગની ઘટનાની જાણ થતા જ અમદાવાદ શહેરના ફાયરવિભાગને થતાની સાથે જ ફાયરબ્રિગેડની 6થી વધુ ગાડીઓ અને સ્નોરકેલ સાથે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ વિકરાળ હોવાથી પાણીના મારાથી આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આજ બિલ્ડીંગમાં પોસ્ટ ઓફિસની મેઈન ઓફિસ આવેલી છે.
ખાનપુરમાં પી એન્ડ ટી બિલ્ડીંગમાં આગ લાગતા સંપૂર્ણ બિલ્ડીંગમાં દોડધામ મચી ફાયરકર્મી આગ બુઝાવવા જતા થયા ઇજાગ્રસ્ત
આગ ખુબ જ વિકરાળ હોવાથી આસપાસના નજીકના ફાયર વિભાગના કર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તે દરમિયાન આગ બુઝાવવા જતા જગદીશ યાદવ નામના ફાયરમેનને ઈજા થઈ હતી. જોકે તેમને ઘટનાસ્થળે સ્ટેન્ડ બાયમાં મુકવામાં આવેલી 108 એમ્બ્યુલન્સમાં તુરંત જ સારવાર આપવામાં આવી હતી.
ફાયર સિસ્ટમ લગાવેલી હતી ?
કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટસ ગુજરાત રિઝયનની ઓફિસમાં અને સંપૂર્ણ બિલ્ડિંગ ભારત સરકારની ઓફિસોથી સજ્જ છે. જેમાં ફાયર સિસ્ટમ લગાવેલી હતી. જોકે આ અંગે જ્યારે ફાયર અધિકારી રાજેશ ભટ્ટને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે, સિસ્ટમ તમામ લગાવેલી હતી. પરંતુ આગ લાગતા ઇલેક્ટ્રોનિક સપ્લાયર બંધ કરવામાં આવતા તે કાર્યરત થઈ ન હતી. જેનો ટૂંકમાં અર્થ એ થયો કે ખાલી નામની જ ફાયર સિસ્ટમ સરકારી તંત્રમાં પણ જોવા મળે છે. આગ લાગતા જ સિસ્ટમ વર્ક ન કરે તો તેનો શું અર્થ રહેલો છે. જ્યારે ફાયરસિસ્ટમ અંગે અધિકારીને ઊંડાણપૂર્વક ઇટીવી ભારતના પત્રકાર પાર્થ શાહ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે, કોઈપણ હાઈટ વાળા બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ જ્યારે લગાડવવામાં આવે છે ત્યારે તેનો પાવર સપ્લાયર અલગથી આપવો જોઈએ છે. ફાયર સિસ્ટમ અને લિફ્ટ બન્નેના સપ્લાયર અલગથી હોય તો ફાયરકર્મી અથવા સામન્ય માણસ ફાયરબ્રિગેડ આવે તે પહેલાં આગ પર પાણીનો મારો શરૂ કરી શકે છે અથવા આગથી બચવા લિફ્ટના માધ્યથી સુરક્ષિત જગ્યાએ જઇ શકે છે. પરંતુ ઇલેક્ટ્રોનિક સપ્લાયર એક જ જગ્યાએથી થતો હોવાથી મોટા ભાગે આગ લાગતા ઇલેક્ટ્રોનિક સિસ્ટમ બંધ થાય એટલે ફાયરસિસ્ટમ પણ બંધ થઈ જતી હોય છે. જેનો સીધો અર્થ એ છે કે સરકારી તંત્રમાં પણ ફાયરસિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન રહેલી છે.
આગ ક્યાં કારણોસર લાગી તેની પ્રાથમિક માહિતી ?
ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું કે, ટેલિકોમ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. જેના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ સંપૂર્ણ કાબુમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી. આગથી ઓફિસમાં ધૂમાડો વધી જતા તેને બહાર કાઢવા માટે કાચ તોડવા પડ્યા હતા અને હાલમાં કૂલિંગની કામગીરી ચાલી રહી છે. ઓફિસમાં આગના બનાવ બાદ તેને બુઝાવવા માટે આવેલા ફાયરકર્મીને ઈજા પહોંચી હતી. આગ બુઝાવતા દરમિયાન હાથમાં કાચ વાગતા ફાયરકર્મી જગદીશ યાદવ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને 108ની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચો :વડોદરાની વિજય વલ્લભ હોસ્પિટલમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં