- અમદાવાદમાં સરકારી તંત્રની કામગીરીથી જનતામાં રોષ
- GMDC ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં ટોકનને લઇને જનતા પરેશાન
- ધન્વંતરીમાં દર્દી સાથે રિક્ષાચાલકે બેરીકેડ તોડીને પ્રવેશ મેળવવા કર્યો પ્રયાસ
અમદાવાદ:રાજ્ય સરકાર અને DRDOના સંયુક્ત સાહસ હેઠળ અમદાવાદના GMDC ખાતે 900 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. પરંતુ, સ્થાનિક પ્રશાસનના નિર્ણયને કારણે આજે ગુરૂવારે અમદાવાદની GMDC ખાતે આવેલી કોવિડ હોસ્પિટલની બહાર પરેશાન જનતાનો ગુસ્સો ચરમશિમાએ પહોચ્યો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. જેમાં, એક રિક્ષાચાલક રિક્ષામાં વૃદ્ધ માજીને લઇને કોરોનાની સારવાર માટે આવ્યા હતા. પરંતુ, તેઓને પ્રવેશ ના મળવાને કારણે રિક્ષા ચાલકે પોલીસે લગાવેલા બેરિકેડ પર રિક્ષા ચડાવીને પ્રવેશ મેળવાનો પ્રયાસ કર્યો હતો. આથી તેમને પોલીસે અટકાવ્યો હતો અને ત્યારબાદ, રિક્ષા ચાલક વૃદ્ધાને લઇને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે રવાના થયો હતો.
108નો નિયમ ગયો પણ ટોકન સિસ્ટમ આવી
હાઇકોર્ટમાં ફટકાર બાદ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા 108 મારફતે આવતા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાના નિર્ણયને રદ્દ કર્યો છે. આ નિર્ણયથી, શહેરીજનોએ થોડો રાહતનો શ્વાસ લિધો હતો. પરંતુ, આજે ગુરૂવારથી અમદાવાદના GMDC ખાતે ધન્વંતરી હોસ્પિટલમાં ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેમાં, ફક્ત સવારે 8થી 9 દરમિયાન જ ટોકન આપવામાં આવે છે. ત્યારબાદ, બીજા દિવસે ટોકન આપવામાં આવે છે. આ ઉપરાંત, ટોકન લિધા બાદ ફરી એક ફોર્મ ભરવાનું અને ધન્વંતરી હોસ્પિટલને દર્દીની હાલત ગંભીર લાગે તો જ તેને દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી, GMDC ખાતે હાજર દર્દીના પરિવારજનો ફરીથી આવા નિર્ણયથી ગુસ્સે ભરાયા છે.
હવે લોકોને કાબુમાં રાખવા ભારે પડી શકે છે
અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અ રીતે, ઓક્સિજન, ઇંજેક્શનની અછત પણ સર્જાય રહી છે. લોકોને સારવાર માટે હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા ત્યારે, હવે લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. આવી જ ઘટના, અમદાવાદના GMDC ધન્વંતરી હોસ્પિટલની બહાર બની હતી. જેમાં, રિક્ષાચાલકે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ગુસ્સામાં રિક્ષા દ્વારા બેરિકેડ તોડીને હોસ્પિટલમાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે, આગાઉ પણ અનેક આવી ઘટનાઓ અને લોકોનો ગુસ્સો મિડીયા સુધી પહોચ્યો છે.
આ પણ વાંચો:ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ સિવાયના દર્દીઓને મળશે બેડ