- જાણીતી ફિલ્મ એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી વિવાદમાં
- સોસાયટીના ચેરમેને નોંધાવી પોલીસ ફરિયાદ
- પાયલને ધરપકડ બાદ મળ્યા શરતી જામીન
અમદાવાદ : બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી સેટેલાઇટ વિસ્તારમાં પોતાની સોસાયટીના સભ્યોની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર અને બીભત્સ ભાષામાં કોમેન્ટ લખ્યા બાદ તેને ડિલિટ કરતી હતી. અભિનેત્રી પોતે સોસાયટીની સભ્ય ન હોવા છતાં બેઠકમાં આવીને સભ્યો સાથે બોલાચાલી કરતી હતી, તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આ સાથે સભ્યોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી. જે બાદ સોસાયટીના ચેરમેન દ્વારા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે સેટેલાઇટ પોલીસ દ્વારા ગુનો નોંધી પાયલ રોહતગી ( Payal Rohatgi )ની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પાયસને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના?
સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતી બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી ( Payal Rohatgi ) ફરીએક વાર વિવાદમા આવી છે. પાયલ સામે સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સોસાયટીનાં ચેરમેન દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી. આ ફરિયાદ મુજબ સુંદરવન સોસાયટીમાં પાયલ રોહતગી દોઢ વર્ષથી રહે છે. 20 જૂનના રોજ સોસાયટીની AGM બેઠક હતી. જેમાં સોસાયટીનાં તમામ સભ્યોને બોલાવવામા આવ્યા હતા. આ બેઠકમાં પાયલ રોહતગી સભ્ય ન હોવા છતા પહોંચી ગઈ હતી. જે કારણે ચેરમેન પરાગ શાહે તેના માતાપિતાના નામે ફ્લેટ છે અને તેમને હાજર છે, તેવુ કહીને પાયલને વચ્ચે ન બોલવાની અને તેની હાજરીની કોઈ જરૂર નથી, તેમ જણાવ્યું હતુ. જે બાદ પાયલે સોસાયટીનાં સભ્યો તેમજ ચેરમેન સાથે બિભત્સ ભાષામાં વાત કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે સોસાયટીના સભ્યોને ડરાવવા માટે મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરવાનુ શરૂ કર્યુ હતુ. જે બાબતે ચેરમેને ના પાડતા ઉશ્કેરાઈને પાયલ ગાળાગાળી પર ઉતરી આવી હતી.
સોશિયલ મીડિયામાં અભદ્ર મેસેજ
આ ઘટના બાદ પાયલ રોહતગી ( Payal Rohatgi )એ સોસાયટીનાં વ્હોટ્સએપ ગૃપમાં બિભત્સ અને અભદ્ર મેસેજ મોકલ્યો હતો અને તેની ટકોર કરાતા પાયલે મેસેજ ડિલિટ કર્યો હતો. ચેરમેનની ફરિયાદ મુજબ માર્ચ મહિનાથી પાયલ રોહતગી પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સોસાયટીનાં સભ્યો વિશે ખોટા મેસેજ મૂકી રહી હતી. જેમાં સોસાયટીનાં જે સભ્યને 4-5 બાળકો હોય, તે બાબતે વીડિયો અપલોડ કરીને હિંદી ભાષામાં અમારી સોસાયટીનાં અમુક લોકો ફેમિલિ પ્લાનિંગ નથી કરતા, તેમ જણાવ્યું હતુ. જે બાદ 23 જૂનના રોજ પાયલે પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી. જેમાં અમારી સોસાયટી કા જો ચેરમેન હૈ વો ગુંડાગીરી કરતા હૈ, તેવી ઉશ્કેરણીજન પોસ્ટ મૂકી હતી. તેમજ સોસાયટીના સભ્ય “જયેશ રાવલ કરકે કોઈ ડૉક્ટર ગુન્ડે કી તરહ ચિલ્લા રહા થા, બિચારા પાગલ ન હો જાયે મેરી વજહ સે.. જેવી કમેન્ટ પણ કરી હતી.