અમદાવાદ: દેશમાં કોરોનાના કહેરને કારણે લૉકડાઉન જાહેર હોવા છતાં કોરોના દરદીઓની સંખ્યામાં સતત વધારે જોવા મળ્યો છે. ત્યારે દેશમાં સૌથી વધારે કેસ ધરાવતા રાજ્યમાં પહેલા ક્રમાંકે મહારાષ્ટ્ર અને તેના પછી બીજાસ્થાને ગુજરાત છે. તેથી જ અમદાવાદના મ્યૂનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદમાં કોરોના પૉઝિટિવ દરદીઓને શોધવા આક્રમક ટેસ્ટિંગનો નિર્ણય લીધો હતો જે તેમને ભારે પડ્યો. કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થવા છતાં આક્રમક ટેસ્ટિંગ કરવું જ જોઇએ તેવો મત ધરાવતાં વિજય નહેરાએ ટેસ્ટિંગ સંખ્યા રોજ પાંચ હજાર પર પહોંચવાને કારણે તેમને ક્વૉરંટિન કરવાને બહાને રજા પર ઉતારવામાં આવ્યાં અને હવે તેમનો હવાલો આઇએએસ અધિકારી મુકેશ કુમારને આપવામાં આવ્યો. જોકે, લૉકડાઉન 4.0ની શરૂઆતમાં જ ગુજરાત સરકારે નહેરાની બદલી ગ્રામ વિકાસ કમિશનર ગાંધીનગર તરીકે કરી મુકેશ કુમારને જ અમદાવાદના મ્યૂનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યાં. જેનાથી ક્યાંકને ક્યાંક અમદાવાદીઓ નારાજ થયાં છે.
વિજય નહેરાને પાછા લાવવા માટે #bringbackvijaynehra કેમ્પેઇન શરૂ થયું - વિજય નહેરા
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલીથી અમદાવાદીઓ નારાજ થયાં છે અને તેમને પાછા લાવવા માટે કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી 7500 લોકોએ પિટિશન સાઈન ઓનલાઈન કરી છે.
નહેરાની લોકપ્રિયતા આ કારણે વધી...
જુલાઈ 2018થી અત્યાર સુધી બે વર્ષથી ઓછા કાર્યકાળમાં વિજય નહેરાએ ઘણાં પ્રોજેક્ટ્સ હાથ ધર્યા, તેમાંના કેટલાક પ્રોજેક્ટસ એ તેમને ઘણી લોકપ્રિયતા અને નાગરિકોની શુભેચ્છા પ્રાપ્ત કરાવી. તેમને અતિક્રમણ અને ગેરકાયદે પાર્કિંગ વિરુદ્ધ કરેલા શ્રેષ્ઠ અભિયાન માટે યાદ કરવામાં આવશે. 2019ના જૂન મહિનામાં, તેમણે પાંચ દિવસીય સાબરમતી મહાસફાઇ અભિયાન શરૂ કર્યું. આશરે 60,000 સ્વયંસેવકોએ 5 દિવસમાં નદીના પટ્ટામાંથી આશરે 5 ટન પ્લાસ્ટિકનો કચરો બહાર કઢાવ્યો હોવાના અહેવાલ છે. જેના ભાગરૂપે તેમણે મિશન મિલિયન ટ્રીઝ શરૂ કર્યું હતું. જેમાં શહેરભરમાં 10 લાખ રોપાઓ વાવવામાં આવ્યાં હતાં. તેમણે શહેરમાં ઓક્સિજન પાર્ક સ્થાપ્યાં. તેમણે અમદાવાદને રાહદારી મૈત્રીપૂર્ણ શહેર બનાવવા પર પણ ભાર મૂક્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં લો ગાર્ડનમાં સ્ટ્રીટ લોકોને આપી અને તેનાથી ખૂબ જ લોકપ્રિય બની ગયાં.