- "કોરોના કી યે ક્યા મજાલ, કી જો મેરે હૌસલો કો તોડ દે..."
- 99 નોટ આઉટ-જીંદગી ઇન- કોરોના આઉટ
- "ફક્ત 4 દિવસમાં જ" 99 વર્ષીય સામુબેન ચૌહાણે કોરોનાને હરાવ્યો
- કોરોના વોર્ડમાં સામુબેનનો શ્રવણ બન્યો મૌલિક
- પડોશીધર્મનું "મૌલિક" ઉદાહરણ
અમદાવાદ:કોરોના વોર્ડમાં સારવાર મેળવી રહેલા 99 વર્ષીય સામુબેનને એક દિવસ પોતાના પરિવાર સાથે વાત કરવાની પ્રબળ ઇચ્છા જાગી. 99 વર્ષની ઉંમરમાં પહેલી વખત તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે. પરિવારથી પ્રથમ વખત વિખૂટા પડેલા સામુબેન ઉદાસ મુખે ખાટલા પર બેસીને કંઇક વિચારી રહ્યા છે. લગભગ પોતાના પરિવારને મળવાની તેમને નિહાળવાની ઝંખના સેવી રહ્યા છે પરંતુ તે કંઇ રીતે પૂરી થશે ?? એવામાં તેમની લગોલગ અન્ય ખાટલા પર કોરોનાની સારવાર મેળવી રહેલા 30 વર્ષીય નવયુવાન મૌલિક એકલા અતૂટા બેસેલા બાને નિહાળે છે. તેમની સમીપે જંઇ તેમની તકલીફ જાણવાની કોશિષ કરે છે. ત્યારે ખબર પડે છે કે તેઓ મુંઝાઇ રહ્યા છે. પરિવારને યાદ કરી રહ્યાં છે. તેમના પરિવારને નિહાળવાની પ્રબળ ઇચ્છા સેવી રહ્યા છે પરંતુ તેનો માર્ગ જડી રહ્યો નથી. કેમ કે સામુબેનને તો મોબાઇલ ચલાવતા પણ નથી આવડતો અને વોર્ડમાં કોઇને કહેતા પણ અચકાય છે....!
આવી પરિસ્થિતિમાં પડોશીધર્મ શું હોય તેનું "મૌલિક"ઉદાહરણ
તેણે સામુબા જ્યાર સુધી વોર્ડમાં દાખલ રહ્યાં તે દિન સુધી શ્રવણ બનીને બા ની મદદ કરી છે. સામુબાને જ્યારે જ્યારે પોતાના પરિવારજનો સાથે વાત કરવાની, વીડિયો કોલ કરીને તેમને નિહાળવાની ઇચ્છા થતી મૌલિક ફોનથી સંપર્ક કરાવતો હતો. બા ને જ્યારે પણ એકલાપણું અનુભવાતુ તે બા થી વાતચીત કરીને દૂર કરતો. આ કિસ્સાની શરૂઆત ત્યારે થઇ જ્યારે 99 વર્ષીય સામુબેન ચૌહાણ કોરોનાગ્રસ્ત થયા. તેમનું ઓક્સિજનનું લેવલ પણ ઘટવા લાગ્યું. ત્યારે તેમના પૌત્ર વિશાલભાઇ તેમને આકસ્મિક સંજોગોમાં મિત્રની ગાડી લઇ ખાનગી વાહનમાં બેસાડીને અમદાવાદ સિવિલની કોરોના ડેઝીગ્નેટેડે 1,200 બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા.
આ પણ વાંચો: 105 વર્ષીય દેવંતી દેવી અને કોરોના સામેની લડાઇ, મહામારી સામે જીતની ગાથા
'ન ભૂતો ન ભવિષ્યતિ' કહી શકાય તેવો ઇતિહાસ
સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડેટ 1,200 બેડ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ઓક્સિજન લેવલ 90 પહોંચી ગયુ હતું. જેથી ટ્રાયેજ વિસ્તારમાં પ્રોગ્રેસિવ સારવાર આપીને તેમને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. વોર્ડમાં દાખલ થયા ત્યારે તબીબોની સતત દેખરેખ અને પ્રોગ્રેસિવ સારવારના કારણે સામુબેનના મજબૂત મનોબળે કોરોના નામના રાક્ષસને પણ હંફાવી દીધો. ફક્ત ચાર દિવસના ટૂંકા ગાળામાં 'ન ભૂતો ન ભવિષ્યતિ' કહી શકાય તેવો ઇતિહાસ અમદાવાદ સિવિલમાં સર્જાયો.