- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી બનશે અમદાવાદના મહેમાન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ થશે પૂર્ણ
- સાબરમતી આશ્રમનો થશે વિકાસ
અમદાવાદ:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી દાંડીયાત્રાને 12 માર્ચના રોજ 91 પૂર્ણ થઈ રહ્યા છે અને ભારતની આઝાદીના 74 વર્ષ પૂર્ણ થયા અને 75માં વર્ષની દેશભરમાં ઉજવણી કરવા કરવામાં આવી રહી છે, ત્યારે આજે 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી અમદાવાદના મહેમાન બનશે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે. આ દાંડીયાત્રા 21 દિવસ સુધી ચાલશે અને નવસારી જિલ્લામાં આવેલા દાંડી ગામ ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવશે. દાંડીયાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન, ડૉક્ટર હર્ષવર્ધન સહિતના નેતાઓ હાજર રહેશે સાથે સાથે કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે.
સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્લાન
કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા 1 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી દ્વારા આશ્રમના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે અને આશ્રમનો વિકાસ કરાશે.
દાંડી યાત્રાનો ઇતિહાસ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સવિનય કાનૂન ભંગની ચળવળ ચલાવવામાં આવી હતી. તે જ અરસામાં 12 માર્ચ 1930ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી અંગ્રેજો દ્વારા મીઠા પર લગાવવામાં આવેલા કરના વિરોધમાં ચળવળ શરૂ કરી હતી અને મીઠાનો કાયદો ભંગ કરવા માટે અંગ્રેજો સામે લડત આપી હતી. મહાત્મા ગાંધી 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી નવસારીના દરિયાકિનારે આવેલા દાંડી ગામ સુધી યાત્રા કરી હતી. જેમાં તેમની સાથે કુલ 80 જેટલા લોકો જોડાયા હતા. દાંડીયાત્રા 24 દિવસ સુધી ચાલી હતી. 6 એપ્રિલ 1030ના રોજ દાંડી ગામ ખાતે યાત્રા પૂર્ણ કરી હતી મહાત્મા ગાંધીએ મીઠા પર લગાવેલા કરને નાબૂદ કર્યો હતો. મીઠા પર લગાવવામાં આવેલા કરને નાબૂદ કરવા માટે બનાવવામાં આવેલા યોજનાને લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અંગ્રેજો ધરપકડ પણ કરી હતી. 24 દિવસ સુધી ચાલેલી લડતમાં મહાત્મા ગાંધીએ 8 જિલ્લાના 48 ગામોને આવરી લીધા હતા. મહાત્મા ગાંધી અને આશ્રમના સેવકો દ્વારા દરરોજ 10 માઇલનું અંતર કાપી રસ્તામાં વચ્ચે આવતા ગામડાંઓમાં લોકોને આઝાદી વિશે જાણકારી આપતા હતા અને આઝાદીની લડતને વેગ આપતા હતા.