ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં અંગદાનથી 9 દર્દીને નવજીવન મળ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાત સરકારની “સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO)” અંતર્ગત એક જ અઠવાડિયામાં ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં અંગદાનથી 9 દર્દીને નવજીવન મળ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં અંગદાનથી 9 દર્દીને નવજીવન મળ્યું

By

Published : Mar 25, 2021, 7:47 PM IST

  • 3 બ્રેઇનડેડ દર્દીઓના શરીરનું અંગદાન
  • કુલ 6 કિડની, 3 લિવર અને 1 સ્વાદુપિંડનું દાન મેળવાયું
  • 09 દર્દીઓને નવજીવન આપવામાં આવ્યું



અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ગુજરાત સરકારની “સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO)” અંતર્ગત એક જ અઠવાડિયામાં ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે.

અંગદાન કરનાર સ્વજનોનું આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેના હસ્તે સન્માન

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શીવહરેની ઉપસ્થિતિમાં અંગદાન કરનાર સ્વજનોનું સન્માન કરીને તેમના ઉમદા કાર્યને બિરદાવવામાં આવ્યું હતુ. આ પ્રસંગે આરોગ્ય કમિશ્નરે અંગદાતાના સ્વજનોને સન્માનપત્ર આપીને તેમના સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વની પ્રશંસા કરી હતી.

આ સન્માનપત્રથી અંગદાતાના સ્વજનોને પ્રત્યારોપણમાં પ્રાથમિકતા અપાશે

તેઓએ કહ્યું હતું કે, બ્રેઇન ડેડ દર્દીના સ્વજનો દ્વારા અંગદાનનો હ્યદયસ્પર્શી નિર્ણય સમાજ માટે ઉદાહરણરૂપ છે. અંગદાન કરનાર સ્વજનોના આવા ઉમદા કાર્યને બિરદાવવાની આપણી ફરજ બને છે. આજે આપવામાં આવેલ સન્માનપત્રના કારણે બ્રેઇનડેડ અંગદાતાના સ્વજનોને અંગ પ્રત્યારોપણની જરૂર જણાશે ત્યારે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી જાહેરાત આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે એ કરી હતી.

ગરીબ વ્યક્તિઓ અંગદાનમા આગળ

આપણા સમાજની એક ખાસિયત છે. ઘણી વખત અહીં ખુબ જ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારજનો પણ ખુબ મોટા કાર્યો કરી જાય છે. જે અન્યો માટે પ્રેરણારૂપ બની રહે છે. અંગદાન આવું જ એક મહાનકાર્ય છે. સંપન્ન અને કહેવાતા સાક્ષર-શિક્ષિત લોકો જે નિર્ણય લેવામાં કેટલીક વખત ખચકાતા જોવા મળે છે, એ અંગદાનનું મહાન કાર્ય કરવામાં ગરીબ માણસો અવ્વલ રહ્યાં છે. આવા જ નાના લોકોના ત્રણ વિભિન્ન પરિવારોએ છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં અંગદાનનું મુઠ્ઠી ઊંચેરું કાર્ય કર્યું છે.

આકાશના અંગોથી ત્રણ લોકોને જીવનદાન

મધ્ય પ્રદેશના રતલામના કલેક્ટરને ત્યાં રસોઇયા તરીકે કામ કરતા ભગીરથ પરમારના 20 વર્ષીય પુત્ર આકાશ પરમારને બ્રેઇનડેડ જાહેર કરાતા ભગીરથભાઈએ આકાશની બે કિડની, એક લિવર અને એક સ્વાદુપિંડનું મહાદાન કર્યું. આકાશની એક કિડનીનું રાજકોટની 11 વર્ષની દિકરીના શરીરમાં અને બીજી કિડનીનું બનાસકાંઠાની 18 વર્ષની યુવતીના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે. જ્યારે ભૂજના એક 50 વર્ષીય વ્યક્તિના શરીરમાં લિવરનું પ્રત્યારોપણ કરાયું છે. આમ આકાશના અંગોથી ત્રણ લોકોને નવજીવન પ્રાપ્ત થયું.

લખન પરમારે ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું

જામનગરના વતની લખન પરમારનું બ્રેઇનડેડ જાહેર કરાતા તેમના સગાવ્હાલાઓએ પણ અંગદાનનો પથ અપનાવી પોતાના સ્વજનની યાદોને જીવંત બનાવવાનો નિર્ણય કર્યો. લખનભાઈની બે કિડની અને એક લિવરનું દાન કરાયું હતું. લખનભાઈની એક કિડનીનું ખેડાની 12 વર્ષીય દિકરીના શરીરમાં અને બીજી કિડનીનું ભાવનગરના 24 વર્ષીય વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ કરાયું હતું. જ્યારે ગાંધીનગર સ્થિત 40 વર્ષીય એક પુરુષ દર્દીના શરીરમાં લખનભાઈના લિવરનું પ્રત્યારોપણ કરાયું છે.

રાજસ્થાનના વતનીએ ત્રણ ગુજરાતીને નવજીવન બક્ષ્યું

ત્રીજા કિસ્સામાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી જીવરામ રોતના આકસ્મિક નિધનના પગલે તેમના લિવરનું ભરૂચના એક 51 વર્ષીય ભાઈના શરીરમાં, એક કિડનીનું અમરેલીના એક 31 વર્ષીય બહેનના શરીરમાં અને બીજી કિડનીનું જૂનાગઢના એક 35 વર્ષીય બહેનના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે.

વધુ લોકો અંગદાન માટે આગળ આવે: જે.વી.મોદી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, સિવિલ હોસ્પિટલની SOTTO ટીમ દ્વારા 85 દિવસના ટૂંકા ગાળામાં બ્રેઇનડેડ દર્દીઓના અંગદાન માટેની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. એક જ અઠવાડિયામાં થયેલ 03 અંગદાન અને તેના થકી 09 વ્યક્તિઓને મળેલું નવજીવન તેની પુષ્ટિ કરે છે. આગામી સમયમાં પણ સમાજમાં વધુમાં વધુ લોકો અંગદાન માટે આગળ આવીને અંગદાનની જરૂરિયાત ધરાવતા લોકોને નવજીવન બક્ષે તેવી આશા ડૉ. મોદીએ વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details