LG હોસ્પિટલના 2 ડોક્ટર સહિત 5 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - અમદાવાદ
કોરોના સામે દિવસરાત ફરજ બજાવતાં ડોક્ટર્સ અને વહીવટીતંત્રના કર્મચારીઓ પણ હવે કોરોનાનો ભોગ બની રહ્યાં છે. LG હોસ્પિટલના બે ડોક્ટર તેમ જ એક આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત 5 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદઃ કોરોનાનું હોટસ્પોટ બનેલાં અમદાવાદમાં આજે વધુ 42 પોઝિટિવ કેસ નોંધાયાં છે. આ સાથે શહેરમાં કોરોનાના કુલ દર્દી 492 થયાં છે. જ્યારે 17ના મોત અને 17 લોકો સાજા થયાં છે.
અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે કોરોના સામે દિવસરાત ફરજ બજાવતાં ડોક્ટર્સ અને વહીવટીતંત્રના કર્મચારીઓ પણ હવે કોરોનાનો ભોગ બની રહ્યાં છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું કે એલજી હોસ્પિટલના બે ડોક્ટર તેમ જ એક આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત 5 કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમ જ મહાનગરપાલિકાના બે કર્મચારીઓનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદમાં આજે 42 જેટલા નવા કેસો નોંધાયાં છે. જેમાં જૂહાપુરા, જમાલપુર, દાણીલીમડા, મણિનગર, મેઘાણીનગર, સરસપુર અને ગોમતીપુરનો સમાવેશ થાય છે. કુલ 20 હજાર 24 ટેસ્ટ અત્યાર સુધીમાં કરાયા છે.