- 6 મહાનગરમાં કૉંગ્રેસમાં 3556 દાવેદારોએ આપ્યા બાયોડેટા
- અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ લોકોએ નોંધાવી દાવેદારી
- જીત્યા બાદ આપવું પડશે બે સિનિયર નેતાની સહી કરેલું વફાદારી પત્ર
6 મહાનગરોમાં ચૂંટણી માટે 3556 લોકોએ કૉંગ્રેસમાં નોંધાવી દાવેદારી, ટિકિટ ફાળવણી બાદ જોવા મળશે નારાજગી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કૉંગ્રેસમાંથી રાજ્યની 6 મહાનગર પાલિકાની 272 બેઠકો માટે 3556 દાવેદારોએ નોંધણી કરાવી છે. જોકે, આ વખતે કૉંગ્રેસમાં પક્ષપલટો અને ટિકિટોની યોગ્ય ફાળવણી થાય તે માટે કૉંગ્રેસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનાં પડઘમ વાગી ચૂક્યાં છે. ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે કૉંગ્રેસમાં 6 મહાનગર પાલિકામાં 272 બેઠકો માટે 3556 દાવેદારો નોંધાયા છે. તો બીજી તરફ ટિકિટને લઈને પણ કકળાટ શરૂ થઈ ગયો છે.
પક્ષ પલટો કરીને બીજે ન જાય તે માટે ખાસ તકેદારી રખાશે
6 મહાનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસમાં 3556 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં અમદાવાદમાં 1450, સુરતમાં 750, વડોદરામાં 423, રાજકોટમાં 416, ભાવનગરમાં 350 અને જામનગરમાં 167 દાવેદારોએ ટીકીટની માંગણી કરી છે. આ દાવેદારોએ પોતાના બાયોડેટા સબમીટ કર્યા હતા. અલબત્ત દાવેદારોને જો ટિકિટ મળે અને ચૂંટાઈને આવે તો પક્ષ પલટો કરીને બીજે ન જાય તે માટે બે નેતાઓની માહિતી લેવામાં આવશે. એટલે કે ગુજરાત કૉંગ્રેસને ઉમેદવાર જીત્યા બાદ તેમની ઉપર વિશ્વાસ ન રખાય તેવા હેતુસર વફાદારી પત્ર લેવામાં આવશે. જે એફિડેવિટની અંદર બે સિનિયર નેતાઓના સિગ્નેચર પણ જરૂરી હોવાનું કહેવાઈ રહ્યું છે. જેના કારણે કૉંગ્રેસનાં મૂરતિયાઓમાં એક તરફ રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસે છત્તીસગઢનાં ગૃહપ્રધાનને સોંપી સૌથી મોટી જવાબદારી
ઉમેદવારોનાં નામ જાહેર થાય એ પહેલા જ કૉંગ્રેસમાં અંદરોઅંદરનો ઉકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. ગુજરાત કૉંગ્રેસનાં પ્રભારી ડેમેજ કંટ્રોલ કરવામાં અગાઉ પણ નિષ્ફળ રહ્યાં છે. સાથે જ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસનાં નેતાઓ પણ ડેમેજ કંટ્રોલમાં નાકામા રહ્યાં છે. જેના કારણે કૉંગ્રેસ હાઈ કમાન્ડે આ સમસ્યાને દૂર કરવા માટે છત્તીસગઢનાં ગૃહપ્રધાનની નિમણૂંક કરી છે. કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અંદરોઅંદરની જૂથબંધી દૂર ન કરી શક્યા હોવાથી જ છત્તીસગઢનાં ગૃહપ્રધાનને આ મોટી જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસમાં અંદરો અંદર નારાજગી
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટની ફાળવણી માટે કેટલાક સિનિયર નેતાઓ અને આગેવાનો દ્વારા લોબિઈંગ કરવામાં આવી રહ્યું છે. તેઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે સતત ધમપછાડા કરી રહ્યાં છે અને વર્ષોથી પક્ષમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા કાર્યકર્તાઓને ટિકિટ ન મળે તે માટે સતત પ્રયત્નો કરી રહ્યાં છે. અમદાવાદ શહેર કૉંગ્રેસનાં પ્રમુખ શશીકાંત પટેલે ટિકિટ માટે ભલામણો અને આજીજી સુદ્ધા કરી હોવાનું જાણવા મળ્યું છે.