- રાજ્ય સરકારે સિંહોની સંખ્યા બહાર પાડી
- ગીર અભ્યારણની અંદર અને કુલ 674 સિંહ
- છેલ્લા 2 વર્ષમાં કુલ 313 સિંહોના થયા મોત
- 23 સિંહના મોત અકસ્માતથી અને 290 સિંહોના મોટ કુદરતી
ગાંધીનગર: ગુજરાતમાં ગિરનારની ઓળખ સિંહથી થાય છે. ત્યારે આજે સોમવારે વિધાનસભાગૃહમાં ઉનાના ધારાસભ્ય પૂંજા વંશે ગીર અભ્યારણ અને અભ્યારણની બહાર સિંહોની વસતી બાબતે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં રાજ્ય સરકારે 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ ગીર અભ્યારણ અને તેની બહાર સિંહોની વસ્તીની તમામ વિગતો બહાર આપી છે. જે અંતર્ગત ગીર અભ્યારણમાં 345 અને ગીર અભયારણ્યની બહાર 329 જેટલા સિંહો છે. આમ કુલ 674 જેટલા સિંહો છે.
સિંહની વિગતો
નર સિંહ 206
માદા સિંહ 309
સિંહ બાળ 29
વણ ઓળખાયેલા 130
કુલ સિંહો 674
છેલ્લા 2 વર્ષમાં સિંહોના મોત બાબતની વિગતો
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહોના અકસ્માતથી અને કેટલા સિંહોના શિકારીથી તેમજ કેટલા સિંહના કુદરતી રીતે મૃત્યુ થયા છે, તે બાબતે પણ માહિતી આપવામાં આવી હતી. જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં એક પણ સિંહનું મૃત્યુ શિકારથી થયું નથી. જ્યારે અકસ્માતથી 23 સિંહોના મૃત્યુ થયા છે અને કુદરતી રીતે 290 જેટલા સિંહોના મૃત્યુ નીપજયા છે. આમ કુલ 313 જેટલા સિંહોના મોત છેલ્લા બે વર્ષમાં નિપજ્યા હોવાની વિગત રાજ્ય સરકારે આપી હતી.
આ પણ વાંચોઃ સિંહને રેડિયો કોલર લગાવવાના મુદ્દેે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યા પ્રશ્નો, વનવિભાગે આપ્યો રદિયો
સિંહોના શિકાર અને અપમૃત્યુના બનાવો રોકવા સરકારે લીધેલા પગલાં
- ક્ષેત્રીય સ્ટાફને વાહન, હથિયારો, કી ટેબલેટથી સજ્જ કરી સતત પેટ્રોલિંગ અને નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું છે. સમયાંતરે પોલીસ વિભાગ, વન વિભાગ અને PGVCL વિભાગ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે. વન્યપ્રાણીના રેસ્ક્યૂ માટે રેપીડ એકશન ટીમ તેમજ રેસ્ક્યૂ ટીમની રચના પણ કરવામાં આવી છે.
- ચેકીંગનાકા પર CCTV કેમેરા મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત હાઇટેક મોનીટરીંગ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે, વન્યપ્રાણી મિત્ર 293 અને ટ્રેકર્સ 160 કાર્યરત છે.
- અસુરક્ષિત ખુલ્લા કુવાઓને પેરાપિંટ વોલ બાંધીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે.
- સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓને બીમારી કે અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિયુક્તિ, લાયન્સ એમ્બ્યુલન્સ, વન્યપ્રાણી સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે.
- સિંહોના વિતરણનું સતત મોનિટરિંગ કરવા માટે સિંહોને રેડીયો કોલિંગ કરવામાં આવ્યાં છે.
- અભ્યારણ વિસ્તારમાંથી પસાર થતા જાહેર માર્ગો પર સ્પીડ લિમીટના સાઈન બોર્ડ મૂકવામાં આવ્યાં છે.
- રાજુલા પીપાવાવ રેલવે ટ્રેકની આજુબાજુ પણ તાર ફેન્સિંગ તૈયાર કરવામાં આવી છે