અમદાવાદઃ વિશ્વ હૃદય દિવસ નિમિત્તે સિમ્સ હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાત ડોક્ટર ધીરેન શાહે ઈટીવી ભારત સાથે ખાસ મુલાકાત કરી હતી. ડો. ધીરેન શાહે જણાવ્યું કે, આ વર્ષે હાર્ટની સમસ્યા વધારે જોવા મળી છે. માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોના વાયરસને કારણે આપણા શરીરને ઘણું નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને કોરોના સંક્રમિત થતા લોકોમાં હાર્ટ, ફેફસા સહિત બીમારીનું પ્રમાણ વધ્યું છે.
દરરોજ 30 મિનિટનું હાસ્ય હૃદયની બીમારી ભગાડશેઃ હૃદય રોગના નિષ્ણાત ડો. ધીરેન શાહ ડૉક્ટરોનું માનવું છે કે, કોરોનાના દર્દીને હૃદયની બીમારીમાં કે હાર્ટ-એટેક આવવાની સંભાવનામાં પણ વધારો થઈ શકે છે. એવું મનાય છે કે, ગુજરાતમાં દર કલાકે અંદાજે ત્રણ વ્યક્તિને હાર્ટ-એટેકનો સામનો કરવો પડે છે ત્યારે દેશમાં હૃદય રોગના સૌથી વધુ કેસ નોંધાતા હોય એવાં રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ઈમરજન્સી સેવા 108ના આંકડા અનુસાર, ગુજરાતમાં દર કલાકે અંદાજે 6 વ્યક્તિને હૃદયને લગતી સમસ્યા થઈ રહી છે. કોરોના કારણે તમામ લોકોને શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ છે. સ્વાસ્થ્ય માટે નવા જોખમો સામે આવી રહ્યાં છે. વર્ક ફ્રોમ હોમ, સ્કૂલ-કોલેજ બંધ હોવાથી લોકોને સીટિંગ ટાઈમ વધી ગયો છે. તેનાથી હાર્ટની બીમારીનું જોખમ દોઢ ગણું વધી ગયું છે તેનાથી બચવા માટે દરરોજ 30 મિનિટ સુધી હસવું અને અડધા કલાક સુધી કસરત કરવી. તે ઉપરાંત હૃદયને સ્વસ્થ રાખવા માટે શું ખાવું અને શું ન ખાવું તે પણ જાણવું જરૂરી છે. હૃદય રોગના નિષ્ણાત કહે છે દરરોજ 30 મિનિટનું હાસ્ય હૃદયની બીમારી ભગાડશે શું ખાવું? તંદુરસ્ત હૃદય માટે અનિયમિત દિનચર્યા અને એક્સર્સાઈઝ 70% ભાગ ભજવે છે. સ્વસ્થ હૃદય માટે ખાવામાં જેતૂનનું તેલ, નાળિયેર અને સરસિયાના તેલ જેવા હેલ્થી ફેટ સામેલ કરવા જોઈએ. આખું અનાજ, કઠોળ, ફળો અને શાકભાજી માં ફાઈબર હોય છે. પાલકમાં વિટામિન-K હોય છે. સ્ટ્રોબેરી, બ્લેકબેરી માં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા ની ક્ષમતા હોય છે. ખાવાનું બનાવવામાં ઓછા તેલનો ઉપયોગ કરો અને હોસ્ટિંગ, સ્ટીમિંગની રીત અપનાવો. હૃદય રોગને દૂર રાખવા માટે હસો કોમેડી મૂવી જોઈ રહ્યા હો કે મિત્રો સાથે ગપસપ કરતા હો, માત્ર સ્મિત કરીને અટકી ન જાઓ. દિલ ખોલીને હસવાની ટેવ તમારા માટે ફાયદાકારક રહેશે. અમેરિકન હાર્ટ એસોસિએશન ના જણાવ્યા પ્રમાણે, જોરથી હસવાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઘટે જાય છે. ધમનીઓમાં સોજો ઓછો થઈ જાય છે અને લિપોપ્રોટીનનું સ્તર વધે છે, જેને આપણે ગુડ કોલેસ્ટ્રોલ પણ કહીએ છીએ. ડોકટર ધીરેન શાહે હૃદય દિવસની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે, થોડી કાળજી રાખવાથી તમે પણ આ રોગથી દૂર રહી શકો છો.