- રાજ્યમાં દર વર્ષે વધી રહ્યા છે મહિલા અત્યાચારના ગુનાઓ
- રાજ્યમાં સૌથી વધુ મહિલા અત્યાચારના ગુનાઓ અમદાવાદમાં
- 4 મહાનગરોની સરખામણીએ વડોદરામાં સૌથી ઓછા ગુના નોંધાયા
ન્યૂઝ ડેસ્ક: એક રીતે કહેવાય છે કે, ગુજરાત ગુનાખોરીમાં અન્ય રાજ્યો કરતા પાછળ છે, પરંતુ ગુજરાતમાં નોંધાતા કુલ ગુનાઓ પૈકી મહિલા અત્યાચારના ગુનાઓની વાત કરવામાં આવે તો હકીકત કંઈક જુદી જ સામે આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં વર્ષ 2017થી 2019 સુધીમાં મહિલા અત્યાચારના કુલ 25,621 ગુનાઓ નોંધાયા છે. જે કુલ કેસના 27.1 ટકા છે. રાજ્યના 4 મહાનગરો પૈકી સૌથી વધુ 4454 ગુનાઓ સાથે અમદાવાદ પ્રથમ ક્રમાંકે છે. જ્યારે, 2286 ગુનાઓ સાથે સુરત બીજા ક્રમાંકે, 1016 ગુનાઓ સાથે રાજકોટ ત્રીજા ક્રમાંકે અને 953 ગુનાઓ સાથે વડોદરા ચોથા ક્રમાંકે આવે છે.
રાજ્યમાં દર વર્ષે વધી રહ્યા છે મહિલા અત્યાચારના ગુનાઓ
ગુજરાત રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં નોંધાતા કુલ ગુનાઓ પૈકી 27.1 ટકા ગુનાઓ મહિલા અત્યાચારના હોય છે. રાજ્યમાં વર્ષ 2017થી 2019 દરમિયાન મહિલા અત્યાચારના કુલ 25,261 ગુનાઓ નોંધાયા છે. જે પૈકી 8,133 ગુનાઓ વર્ષ 2017માં, 8,329 ગુનાઓ વર્ષ 2018માં અને વર્ષ 2019માં કુલ 8,799 ગુનાઓ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં મહિલા અત્યાચારના ગુનાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે.
અમદાવાદમાં નોંધાયેલા કુલ કેસના 54.4 ટકા કેસ મહિલા અત્યાચારના
NCRBના ડેટા મુજબ, ગુજરાતમાં અમદાવાદ શહેર મહિલા અત્યાચારના ગુનાઓમાં સૌથી મોખરે છે. શહેરમાં વર્ષ 2017 દરમિયાન મહિલા અત્યાચારના કુલ 1,405 ગુનાઓ નોંધાયા હતા. 2018માં તે વધીને 1,416 થયા હતા. જ્યારે 2019માં શહેરમાં ફરીથી મહિલા અત્યાચારના ગુનાઓ વધીને 1633 પર પહોંચ્યા હતા. જેના પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે, અમદાવાદમાં મહિલા અત્યાચારના ગુનાઓ ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યા છે.