કોવિડ હોસ્પિટલમાં સોડિયમ હાઇપોક્લોરાઇડથી દરરોજ 800 કિલો ઘનકચરો જંતુરહિત કરાય છે - સોડિયમ હાઈપોક્લોરાઈડ
એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે ત્યારે હોસ્પિટલમાંથી નીકળતા વેસ્ટનો દરરોજ રોજ ૮૦૦ કિલો ઘનકચરાને સોડિયમ હાઇપોક્લોરાઇડ દ્રાવણથી જંતુરહિત બનાવી તેનો નિકાલ કરવામાં આવે છે.
અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ દ્વારા વપરાયેલી વસ્તુઓથી સંક્રમણ ફેલાય નહીં તે માટે તેને સોડિયમ હાઇપોક્લોરાઇડ દ્રાવણથી જંતુમુક્ત કરી નિકાલ કરવામાં આવે છે. કોરોના વોર્ડમાં દર્દીઓના સંસર્ગમાં આવતી મોટાભાગની વસ્તુઓનો નિકાલ કરવામાં આવતો હોવાથી દરરોજ અંદાજે 800 કિલો ઘનકચરાનો નિકાલ થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં વપરાશમાં લેવાતી રોજની 2500 પી.પી.ઇ. કીટ અને 1500 N99 માસ્કનો નિકાલ થાય છે. દર્દીઓને ભોજન અને નાસ્તા સમયે આપવામાં આવતી ડિસ્પોઝેબલ ડિશ, પાણીના ગ્લાસ ઉપરાંત ઇંજેક્શન નિડલ, કોટન અને માનવમળ જેવા બાયોમેડીકલ વેસ્ટનો પણ સમાવેશ થાય છે.
સિવિલમાં કચરા વ્યવસ્થાપન માટે એક વિશિષ્ટ ટુકડી રચવામાં આવી છે. ૩ શિફ્ટમાં તબીબી અધિકારી, પેરામેડીક્સ, સફાઇકર્તા બધાં મળી કુલ 225 લોકો અહીં કામ કરે છે. કોરોના વોર્ડમાં 8 કલાકની એક શિફ્ટમાં સરેરાશ 250 કિલો કચરો એકઠો થાય છે.અહીં 12 ક્રિટિકલ વોર્ડ અને 18 સ્ટેબલ પેશન્ટ વોર્ડ કાર્યરત છે.
સિવિલના તબીબી અધિકારી સંજય કાપડિયાના જણાવ્યા મુજબ કોરોનાગ્રસ્ત દર્દીઓ દ્વારા ઉત્પન્ન થયેલા ઘન અને જૈવિક કચરા થકી પણ વાયરસ ફેલાવાની શક્યતા રહેલી છે. આથી આ કચરાના યોગ્ય નિકાલ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે. સોડિયમ હાઇપોક્લોરાઇડ દ્રાવણથી ભરેલા પ્લાસ્ટિક થેલામાં કચરો ઠાલવવામાં આવે છે. આ દ્રાવણ અડધા કલાકમાં ઘનકચરાને જંતુમુક્ત બનાવે છે. કચરાના નિકાલ માટે કાર્યરત કામદારોને પણ પૂરતા રક્ષણાત્મક સાધનો પૂરા પાડવામાં આવ્યાં હોવાનું જણાવવામાં આવ્યું છે.