અમદાવાદ: કૃષ્ણનગર શિવાજી ચોક ખાતે થયેલા ફાયરિંગ કેસમાં પ્રદીપ મોતીયાણી અને શિવમ રાજપૂતની પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ, ધર્મેન્દ્રસિંહ બારડ પર થયેલા ફાયરિંગ કેસ પાછળ મોટું ષડયંત્ર છે.
અમદાવાદના કૃષ્ણનગરમાં ફાયરિંગ કરનારા 2 આરોપીની ધરપકડ - અમદાવાદના તાજા સમાચાર
કૃષ્ણનગર વિસ્તારમાં તાજેતરમાં જ કુખ્યાત ગુનેગાર પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. કૃષ્ણનગર પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી ગુનામાં વપરાયેલા સાધનો જપ્ત કર્યા છે. ઘાયલ થયેલા કુખ્યાત આરોપી ધર્મેન્દ્રસિંહ બારડ વિરૂદ્ધમાં અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં 20થી પણ વધુ ગુનાઓ નોંધાયા છે. આ ફાયરિંગ અંગત અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
આ બન્ને આરોપીઓએ હત્યાને અંજામ આપવા આવેલા આદર્શ ચૌહાણ ઉર્ફે છોટુ અને તેના સાગરિતને બાઇક, રૂપિયા તથા અન્ય લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફાયરિંગનો મુખ્ય આરોપી આદર્શ ચૌહાણ અને ધર્મેન્દ્રસિંહ વચ્ચે ગત ઘણા વર્ષોથી અદાવત ચાલતી આવતી હતી. જેથી રંજ રાખીને આદર્શ ચૌહાણ ઉર્ફે છોટુએ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી ધમા બારડની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.
જામનગરમાં એડવોકેટ કીરિટભાઈ જોશીની હત્યા કરનારા આરોપીઓની મદદ લઈને સમગ્ર કાંડ રચવામાં આવ્યું હતું. બાદમાં કુખ્યાત ધમા બારડની રેકી કરીને તેના પર જીવલેણ હુમલો કરવા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ હાલ ફાયરિંગના મુખ્ય આરોપી આદર્શ ચૌહાણ ઉર્ફે છોટુ અને તેના સાગરીતની શોધખોળ કરી રહી છે. આ ઉપરાંત પોલીસે ફાયરિંગમાં મદદ કરનારા અને લોજિસ્ટિક સપોર્ટ આપનારા આરોપી પ્રદીપ મોતીયાણી અને શિવમ રાજપૂતની ધરપકડ કરી છે. જેથી હવે હત્યાના મુખ્ય આરોપી અને હત્યા પાછળના ષડયંત્રને બેનકાબ કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.