અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન પરથી ટિકિટ અપાવવાના બહાને છેતરપિંડી કરતાં બે આરોપીઓને રેલવે LCBએ ઝડપી લીધા છે. મૂળ બિહારના અને વટવા વિસ્તારમાં રહેતા શંકરકુમાર પૂર્વે અને સરોજકુમાર શાહ કાલુપુર રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય મુસાફરોને ટાર્ગેટ બનાવતા હતા. ટિકિટ કાઉન્ટર પર તેમના મામા બેઠા છે. તેથી તેઓ ટિકિટ રિઝર્વેશન કરી આપશે કહીને આ બંન્ને આરોપીઓ પેસેન્જર પાસેથી ડબલ રૂપિયા પડાવીને પલાયન થઇ જતાં હતા.
રેલવે રિઝર્વેશનના બહાને છેતરપિંડી, કાલુપુરમાંથી 2 આરોપી ઝડપાયા - Ahmadabad news
અમદાવાદ રેલવે સ્ટેશન પર પરપ્રાંતિઓને ટિકિટ રિઝર્વેશન કરવાનું કહી ડબલ પૈસા પડાવી છેતરપિંડી કરતા 2 આરોપીને રેલવે LCB પકડ્યા છે. મુસાફરના ભોળપણનો લાભ લઇ ડબલ પૈસા વસૂલી ટિકિટ આપ્યા વગર બંને પલાયન થઇ જતા હતા.
બંને આરોપીઓ મુસાફરોને તત્કાલ ટિકિટ આપવાનું કહી, તેમની પાસે પડાવવા માટે ખાસ તકનિકનો ઉપયોગ કરતા, જેમાં મુસાફરને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓ પોતાની પાસે બેગ રાખતા હતા. જેમાં નકામી વસ્તુઓ ભરી રાખતા અને જ્યારે કોઇ મુસાફર તેમને ટિકિટ લેવા માટે પૈસા આપે, ત્યારે તેઓ આ બેગ મુસાફરને આપીને પોતાની પાસે રાખવા માટે કહેતા હતા. જેથી મુસાફરને આરોપીઓ પર વિશ્વાસ બેસે. જો કે, રૂપિયા હાથમાં આવ્યા બાદ બન્ને આરોપીઓ ત્યાંથી પલાયન થઇ જતા હતા.
આજ પ્રકારનો ટાર્ગેટ શોધીને જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરખાના પાસે આરોપીઓ એક મુસાફરને ટાર્ગેટ બનાવતા હતા, આ સમય દરમિયાન પોલીસને જોઈને તેઓ નાસી છૂટી જતા હતા. જો કે, પોલીસને શંકા જતા જ બન્નેને ઝડપી પાડ્યાં છે. આરોપીઓ પાંચ દિવસ પહેલા જ દિલ્હીથી અમદાવાદ આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં પોલીસએ બન્ને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.