- અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી
- અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે 192 ઉમેદવાર
- 5 ફેબ્રુઆરીએ બપોરે 12:39 કલાકે વિજય મુર્હતમાં ઉમેદવારો ફોર્મ ભરશે
અમદાવાદ: આગામી 21 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ દોડધામ શરૂ કરી દીધી છે. થોડા દિવસો અગાઉ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ ગુરૂવારે સાંજે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ ઉમેદવારો શુક્રવારે બપોરે 12:39 કલાકે ફોર્મ ભરશે.
તમામ મહાનગરપાલિકાની કુલ 576 બેઠકો પૈકી અમદાવાદની 192 બેઠકો
રાજ્યની 8 મહાનગરપાલિકાના ઉમેદવારોની કુલ સંખ્યા 576 થાય છે. જેના માટે ભાજપમાં 7 હજાર ફોર્મ આવ્યા હતા. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 192 ઉમેદવાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડના ઉમેદવારો 5 ફેબ્રુઆરીના રોજ બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ચૂંટણી પંચે નક્કી કરેલી જગ્યાઓએ નામાંકન દાખલ કરશે. જ્યારે ભાજપના લીગલ સેલના 500 કરતા વધુ સભ્યો ઉમેદવારોને ફોર્મ ભરવામાં મદદ કરશે.
ભાજપના પાર્લામેન્ટરી બોર્ડે નિયમો સાથે ઉમેદવારોની યાદી બનાવી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી વધુ આકર્ષક અને કાગડોળે જેની રાહ જોવાતી હોય તો તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે. આ ચૂંટણીની મહત્તા એટલી છે કે, એક વખતે ધારાસભ્ય પણ કોર્પોરેટરની ટિકિટ લેવા તૈયાર થઈ જાય છે. ત્યારે સૌથી મોટા અને સત્તાધારી પક્ષ ભાજપે ઉમેદવારોનું નામ શોર્ટલિસ્ટ કરતા પહેલા જ ત્રણ નિયમો જાહેર કર્યા હતા. જેમાં પહેલો નિયમ હતો કે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને ટિકિટ અપાશે નહીં. બીજા નિયમ મુજબ ત્રણ ટર્મ પૂર્ણ કરનાર કાર્યકરને ટિકિટ આપવી નહીં. ત્રીજા નિયમ મુજબ હોદ્દેદારોના સગાઓને ટિકિટ આપવી નહીં. જો સંગઠનના વ્યક્તિએ ટિકિટ માગી હોય અને તેને ટિકિટ મળે તો તેણે સંગઠનના હોદ્દા ઉપરથી રાજીનામુ આપવું પડશે.
કાર્યકરોમાં વ્યપાયો અસંતોષ
ભાજપે ફોર્મ ફિલ્ટર કરવાના ત્રણેય નિયમોનું ચુસ્તતા પૂર્વક પાલન કર્યું છે. યુવાઓને તક આપી છે, પરંતુ જુના જોગીઓની ટિકિટ કપાતા તેઓ નારાજ થયા છે. ખાડીયાના ભાજપ આગેવાન ભૂષણ ભટ્ટ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળવા પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. તો મોડી રાત સુધી ભાજપના અમદાવાદ શહેર કાર્યાલય ખાતે ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને શહેર ચૂંટણી ઇન્ચાર્જ આઈ.કે.જાડેજાએ કાર્યકરોનો રોષ ઠંડો પાડવો પડ્યો હતો.
અમદાવાદમાં જ્ઞાતિઓનું સમીકરણ
ભાજપે અમદાવાદ શહેર માટે જાહેર કરેલી યાદીમાં ઉડતી નજરે જોતા પટેલ જ્ઞાતિના 44 ઉમેદવારો હોવાનું ધ્યાને આવ્યું છે. ભાવસાર જ્ઞાતિના 3 ઉમેદવારો, પંચાલ- મિસ્ત્રી સમાજના 8 ઉમેદવારો, જૈન સમાજના 8 ઉમેદવારો, બ્રાહ્મણ સમાજના 16 ઉમેદવારોને સ્થાન અપાયું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે જામનગર મહનાગરપાલિકામાં 5 લઘુમતીઓને ટિકિટ આપી છે. જ્યારે અમદાવાદમાં એક પણ લઘુમતીને ભાજપે ટિકિટ આપી નથી. લઘુમતી વોર્ડમાં પણ ભાજપે હિંદુઓને ટિકિટ આપી છે, જ્યારે 38 જેટલા ઉમેદવારો રિપીટ કરાયા છે.
20 વોર્ડમાં નવા ઉમેદવારોની પેનલને સ્થાન
એક અપવાદ સમાન કિસ્સામાં રામોલનાં કોર્પોરેટર અતુલ પટેલના દીકરા મૌલીક અતુલ પટેલને ટિકિટ ભાજપે ફાળવી છે. મેયર બિજલ પટેલ, પૂર્વ મેયર ગૌતમ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ, સુરેન્દ્ર બક્ષી, પૂર્વ મેયર મિનાક્ષી પટેલ વગેરેની ટિકિટ કપાઇ છે. બહુ ચર્ચિત ભૂષણ ભટ્ટના ખાડિયા વોર્ડમાં આખી નવી પેનલ આવી છે. થલતેજ વોર્ડમાં આખી પેનલ નવી છે. બોડકદેવ વોર્ડમાં આખી પેનલ રિપીટ કરાઈ છે. જ્યારે 20 વોર્ડ એવા છે કે જેમાં ઉમેદવારોની આખી પેનલ નવી છે. ગોતા વોર્ડમાં ફક્ત પારુલ ચાવડાને જ રિપીટ કરાયા છે.
મહત્વનાં વોર્ડમાં કરાઈ ફેરબદલ
રાણીપ વોર્ડમાં ગીતા પટેલ અને દશરથ પટેલ એમ બે નામ રિપીટ કરાયા છે. જ્યારે ભાવિ પંચાલ અને વિરલ વ્યાસ એમ બે નવા ચહેરા આવ્યા છે. સ્ટેડિયમ વોર્ડમાં મુકેશ મિસ્ત્રીનું નામ રિપીટ કરાયું છે, જ્યારે ત્રણ નવા ચેહરા આવ્યા છે. નારણપુરા વોર્ડમાં બે ચાલુ કોર્પોરેટર રિપીટ કરાયા છે. પૂર્વ મેયર ગૌતમ શાહે ટિકિટ માંગી નથી, જ્યારે સાધના જીશીને ઉંમરને લઈને ટિકિટ મળી નથી. ઘાટલોડિયા વોર્ડમાં બે કોર્પોરેટર બદલાયા છે. કોર્પોરેટર રેણુકા પટેલનું પત્તુ કપાયું છે. જ્યારે ધનજી પ્રજાપતિ ઉંમરના લીધે સિલેક્ટ થયા નથી. મતદાર યાદીમાંથી નામ ગાયબ થનાર જતીન પટેલને રિપીટ કરાયા છે. ચાંદખેડામાં પણ અરુણસિંહ રાજપૂત સિવાય પેનલના તમામ સભ્યો બદલાયા છે.
જાણીતા ચહેરાઓના પત્તા કપાયા
બોડકદેવ વોર્ડમાં વડાપ્રધાનની ભત્રીજી સોનલ મોદીએ ટિકિટ માગી હતી, પરંતુ તેને પણ ટિકિટ અપાઈ નથી અને આ વોર્ડમાં ઉમેદવારોની આખી પેનલ રિપીટ કરાઈ છે.આ યાદીમાં મોટાભાગના વોર્ડમાં 50-50ની ફોર્મ્યુલા જોવા મળે છે. જેમાં યુવા ઉમેદવારોને અનુભવી ઉમેદવારો સાથે રખાયા છે. મહિલા અનામત હોવાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મહિલાઓનો દબદબો જોવા મળે છે. તેમાં ભાજપે મહિલા ઉમેદવારોમાં મોટાપાયે રોટેશન પદ્ધતિ વાપરી છે. પાલડીમાંથી મેયર બીજલ પટેલ અને જોધપુર વોર્ડમાં પણ પૂર્વ મેયર મીનાક્ષી પટેલને ટિકિટ નથી અપાઈ અને આખી પેનલ બદલાઈ છે.
અમદાવાદમાં 192માંથી 175 બેઠકો જીતવાનો કપરો ટાર્ગેટ
સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખે તમામ 120 બેઠક જીતવાનો ભાજપને ટાર્ગેટ આપ્યો છે. જ્યારે અમદાવાદમાં 192માંથી 175 બેઠક જીતવાનો કપરો ટાર્ગેટ શહેર સંગઠનને સી.આર.પાટીલ દ્વારા અપાયો છે. અમદાવાદમાં ઓછી સીટ આંકવાનું કારણ કોંગ્રેસની કોટ વિસ્તારના વૉર્ડની લઘુમતી વોટ બેન્ક છે. જો કે તેમાં ભાગ પડાવવા અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી ઉપરાંત અન્ય સ્થાનિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ છે.