અમદાવાદ: શહેરમાં કોરોના વાઇરસનાં કેસ હજુ યથાવત છે. અમદાવાદમાં રોજ હજારોની સંખ્યામાં કેસો સામે આવે છે, ત્યારે અમદાવાદમાં પણ પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. અઠવાડિયા પહેલાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં સોલા પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતાં. ગઈ કાલે કરવામાં આવેલા ટેસ્ટમાં 17 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદઃ સોલા પોલીસ સ્ટેશનમાં કોરોના વિસ્ફોટ, PSI સહિત 17 પોલીસકર્મી કોરોનાગ્રસ્ત - કોરોના વાયરસ સલામતી
રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,272 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 17 દર્દીનાં મોત થયા છે. અમદાવાદમાં હજુ પણ હજારોની સંખ્યામાં કોરોના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનના PSI સહિત 17 પોલીસકર્મી કોરોના વાઇરસ રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરના વાઇરસના કુલ 95,155 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સોલા પોલીસ સ્ટેશનમાં PSI જે. ડી.પટેલ સહિત 17 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં પોલીસ સ્ટેશનના કામ કરતા ડી સ્ટાફ, પર્સનલ, કોમ્પ્યુટર અને ઇન્વેમાં ફરજ બજાવતા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.
પોલીસકર્મીઓના પોઝિટિવ આવતા 30 જેટલા પોલીસકર્મીઓને કોરેન્ટાઇન પણ કરવામાં આવ્યા છે. અગાઉ જ્યારે અમદાવાદના પોલીસકર્મીઓના રિપોર્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. હાલ જે ઓફિસના પોલીસકર્મીઓના પોઝિટિવ આવ્યાં છે, તે ઓફિસ સેનિટાઇઝ કરવામાં આવી છે. તમામ પોલીસકર્મીઓની સારવાર પણ ચાલી રહી છે.