અમદાવાદઃ અમદાવાદમાં કોરોના સામેની લડાઇમાં 145 એનસીસી કેડેટ્સ કાર્યરત છે. અમદાવાદની સરકારી પોલીટેકનીકમાં એન.સી.સી. ગર્લ્સ યુનિટની શરૂઆત તાજેતરમાં જ થઈ છે. અને આ યુનિટની આગેવાની કરી રહ્યાં છે લેફ્ટનન્ટ દુહિતા. તેઓ ગત માર્ચ મહિનામાં જ ગ્વાલીયરના આર્મી ટ્રેનિંગ અકેડમીથી તાલીમ મેળવી લેફ્ટનન્ટ બન્યાં છે. અમદાવાદમાં લેફ્ટનન્ટ દુહિતા તેમની યુનિટના 25 ગર્લ્સ કેડેટ્સ સાથે પ્રશાસનને મદદરૂપ થવા ઉત્સાહભેર આગળ આવ્યાં છે. જે ગર્લ્સ કેડેટ્સની ઉંમર ૧૮થી વધુ છે. તેઓ ફિલ્ડ પર કાર્યરત છે તો ૧૮ થી ઓછી વયના ઘરેથી સોશિયલ મિડીયા કેમ્પેઇન અને પોસ્ટર-મેકીંગ જેવી રચનાત્મક પ્રવૃત્તિ થકી ફરજ અદા કરી રહ્યાં છે. આ માટે અમદાવાદની 1-ગુજરાત ગર્લ્સ બટાલીયનને કર્નલ અવેશપાલના નેતૃત્વ હેઠળ તાલીમ આપવામાં આવી હતી.
અમદાવાદમાં કોરોના સામેની લડાઇમાં 145 મહિલા NCC કેડેટ્સ મેદાને - પોલીટેકનીક એનસીસી ગર્લ્સ યુનિટ
મારા શહેરમાં કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે હું ઘરે કેવી રીતે બેસી રહું.!! દેશની સેવા કરવા જ અમે એન.સી.સી.ની તાલીમ લીધી છે. ભૌતિક વિજ્ઞાનના લેક્ચરર અને એન.સી.સી. લેફ્ટનન્ટ એવા દુહિતા લખતરિયા ગર્વભેર આ વાત કહી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 સામે લડવા માટે વહીવટીતંત્રને મદદરૂપ થવાના આશયથી ગુજરાત NCC ડાયરેક્ટોરેટ પોતાના કેડેટ્સની નિયુક્તિ કરવા માટે સક્રીયપણે સામેલ છે. ગુજરાતમાં 637 કેડેટ્સ, 54 આસીસ્ટંટ NCC ઓફિસર-ANO અને 85 કાયમી ઇન્સ્ટ્રક્ટરને 20 સ્થળે નિયુક્ત કરવામાં આવ્યાં છે.
આ ટુકડીઓને મુખ્યત્વે ટ્રાફિક સંચાલન, કતાર વ્યવસ્થાપન, અન્ન વિતરણ અને લોકોને કોવિડ-19 અંગે તકેદારી રાખવા માટે માહિતી આપવાના કાર્યોમાં નિયુક્ત કરવામાં આવી છે. કેડેટ્સને નાના ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને જરૂરિયાત અનુસાર વિવિધ જંકશન પર તૈનાત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 145 કેડેટ્સ, 2 GCI ગર્લ્સ કેડેટ ઈન્સ્ટ્રક્ટર, 13 ANO અને 23 કાયમી ઇન્સ્ટ્રક્ટરને નિયુક્ત કરવામાં આવ્યાં છે. પોલીટેકનીકમાં વિદ્યાર્થિઓને ભૌતિક વિજ્ઞાનના પાઠ ભણાવનાર લેફ્ટનન્ટ દુહિતા હવે દીકરીઓને રાષ્ટ્રસેવાના પાઠ ભાણાવી રહ્યાં છે. એન.સી.સી.નો ધ્યેયમંત્ર ‘એકતા ઔર અનુશાસન’ સાર્થક કરી રહ્યાં છે.