- માં દશામાના વ્રત કરતાં હરિ ઓમશ્રી પરિવારની અનોખી ભક્તિ
- માતાજીની મૂર્તિ સમક્ષ વ્રતની સમાપ્તિ સમયે ભર્યો અનોખો ફરાળી અન્નકૂટ
- મોટાભાગની અન્નકૂટની ફરાળી વાનગીઓ ઘરમાં જાતે બનાવી
અમદાવાદઃ સામાન્યપણે મંદિરોમાં અન્કૂટના દર્શન આપણને કરવા મળતાં હોય છે, પરંતુ ગોતામાં રહેતાં સંજય પટેલના ઘરનો અન્નકૂટ વિશેષ છે. આમ તો આજે શ્રાવણ માસની પુત્રદા એકાદશી છે, ત્યારે ભક્તો ફળહાર કરીને, ફરાળી વાનગીઓ ખાવામાં લઇને ઉપવાસ કરવાનો અનેરો લ્હાવો લેતાં હોય છે. એવામાં આટલી અધધ ફરાળી વાનગીઓ પણ હોઇ શકે તો કેવો ઉલ્લાસ જાગે ? અહીં ફરાળી વાનગીઓના અન્નકૂટમાં 135 વાનગીઓ માં દશામાને ધરાવવામાં આવી છે. અમદાવાદના સીટીએમ સ્થિત માં મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ભક્તમંડળ હરિ ઓમશ્રી પરિવારના એક સદસ્ય સંજયભાઈના ઘરે આ ફરાળી અન્નકૂટનો ભોગ ધરાવાયો છે.
દશામાને ધરવામાં આવ્યો 135 ફરાળી વાનગીઓનો અન્નકૂટ અવનવી ફરાળી વાનગીનો અન્નકૂટ ધરાવવાની પ્રેરણા કઇ રીતે ?
ફરાળી વાનગીઓમાં ખાસિયત એ છે કે, સંજયભાઈના પત્ની ભારતી પટેલ સહિત સ્વરા પટેલ, આશા પટેલ, શિવાની મહેતા અને ભારતી રાવલની ભાવભરી મહેનત છે. ફરાળી અન્નકૂટનો અનોખો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે ભારતીબેને જણાવ્યું હતું કે, માં દશામાના વ્રતના દશેદશ દિવસ અમે અવનવા ભોજન માંને થાળમાં જમાડ્યાં હતાં. તો આજે અગિયારસ હોવાથી અમારો ભાવ જાગ્યો કે આપણે અગિયારસે ફરાળી વાનગીઓ આરોગીએ છીએ તો આજે બુધવારે માં દશામાને પણ ફરાળી વાનગીઓ જમાડીએ. આથી એક પછી એક વાનગીઓ હરખથી બનાવતાં ગયાં. એવું નક્કી નહોતું કર્યું કે, અમુક સંખ્યામાં જ કરીશું, તો પણ 135થી વધુ આઈટમ માંને ફરાળી અન્નકૂટમાં ધરવામાં આવી છે, તેમાં મોટાભાગની અમે જાતે જ બનાવી છે.
અવનવી ફરાળી વાનગીઓનું આશ્ચર્ય
આ વાનગીઓ આ લિસ્ટમાં છે, જેમાં ઉપવાસમાં સામાન્યપણે લેવાતાં દૂધ અને દૂધની પ્રોડ્કટ, ડ્રાય ફ્રૂટ્સ, ફળો વગેરે તો ખરાં જ. તેમાં ખાસ બનાવેલી વાનગીઓમાં રાજગરાનો શીરો, મોરાયો, મોરૈયાની તીખી રાબ, મોરૈયાની ગળી ખીર, મખાણા, મખાણા ખીર, સાબુદાણાની ખીર, સાબુદાણાની તીખી રાબ, ફરાળી પેટીસ, ફરાળી સમોસા, ફરાળી ઢોંસા, ફરાળી ઉત્તપમ, ફરાળી સેન્ડવિચ, ફરાળી દાબેલી, ફરાળી ઢેબરાં, ફરાળી ઘૂઘરા, ફરાળી રગડા પેટીસ, ફરાળી દહીવડા, બફવડા, મઠો, સાબુદાણાની ખીચડી, કેળાની પેટીસ, સૂરણ, આલુની પેટીસ, આલુની સૂકી ભાજી, ભરેલા કેળાં, કાજૂકેપ્સિકમ ફરાળી શાક, આલુસાબુદાણાકેળાની પેટીસ, રાજગરાની પૂરી, ફરાળી ખારી પૂરી, ફરાળીકઢી, ફરાળી પાતરાં, ફરાળી કચોરી, ફરાળી ખાખરા, ફરાળી ફૂલવડી, ફરાળી મૂઠીયાં, ફરાળી ઢોકળાં, ફરાળી સુખડી,કેરીનો રસ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધું જ આ બહેનોએ દિવસભરની મહેનત કરીને જાતે બનાવ્યું છે. બાકી અન્ય ઘણી આઇટમ પણ માં દશામાં સમક્ષ અન્નકૂટમાં મૂકવામાં આવી છે.
દશામાને ધરવામાં આવ્યો 135 ફરાળી વાનગીઓનો અન્નકૂટ આ વર્ષનું વ્રત બની ગયું ખાસ
ભક્તિ સાથે ભાવનો સંબંધ હોય અને તેમાં પ્રાર્થના ભળે તો સોનામાં સુગંધ ભળી જાય. આ વ્રતધારીઓમાં બહેનો તો છે જ, તેમાં ભાઈઓ છે અને યુવાન યુવતીઓ પણ છે. તમે આ તસવીરમાં સળંગ મૂકાયેલાં પાનના સ્થાપન જોઇ શકો છો. તે બધાં કુલ મળીને 20 જણાએ દશામાનું વ્રત એકસાથે પૂર્ણભાવથી કર્યું છે. વરસાદ ખેંચાયો હોવાથી વ્રતના સમાપન પ્રસંગે માતાજીની મૂર્તિ સમક્ષ વરુણદેવને મનાવવાની પ્રાર્થના કરવા સાથે સૌના સારા સ્વાસ્થ્યની કામના પણ વ્યક્ત કરવામાં આવી હતી.
આશ્ચર્ય એ વાતનું પણ છે કે...
આ અનોખા ફરાળી અન્નકૂટના દર્શનની વાત ફેલાતાં ઘણાં લોકો અહીં દર્શન કરવા આવ્યાં હતાં. તેઓને આશ્ચર્ય એ વાતનું હતું કે, હાલમાં કોરોનાકાળને લઇને માતા દશામાની આવી મૂર્તિ મેળવવી અઘરી હતી. તો આ ભક્તોએ તેના સુંદર શણગાર પણ કર્યાં છે. આ બાબત જણાવતા સંજયભાઈ ETV Bharat ને કહ્યું હતું કે, દશામાની મૂર્તિ અમે દર વર્ષે વ્રત કરીએ ત્યારે નવી જ લાવતાં હતાં અને વ્રતના સમાપન સમયે જળમાં પધરાવતાં પણ હતાં. જોકે વર્ષ 2018માં આ મૂર્તિના સ્થાપન સાથે માં દશામાનું વ્રત અમે કર્યું હતું. પણ કોણ જાણે કેમ અમને એવો ભાવ થયો હતો કે, અમે માતાજીની મૂર્તિ હાલ નહીં પધરાવીએ અને તેનું નિત્ય પૂજનઅર્ચન વગેરે કરીશું. તો અમે એમ કરી રહ્યાં હતાં. વર્ષ 2019માં પણ એમ જ અમે મૂર્તિ રાખીને તમે જોઇ શકો છો કેમ આખા મંદિર જેવું આ દ્રશ્ય સર્જાઈ ગયું છે. વર્ષ 2020માં કોરોનાનો કાળોકેર વર્ત્યો ત્યારે અને બધું જ બંધ હતું તેવામાં અમારા દશામાની મૂર્તિ સમક્ષ અને ખૂબ જ ભાવથી વ્રત કરી શક્યાં હતાં. જોકે બે વર્ષ થઈ ગયાં હોવાથી મૂર્તિ થોડી ઝાંધી પડી હતી. તેથી જ્યારે આ વર્ષે 2021માં માં દશામાના વ્રતના દિવસો નજીક આવ્યાં ત્યારે અમે વિચાર્યું કે અમે નવી મૂર્તિ લાવીએ. પણ આ વર્ષે પણ શક્ય બન્યું નહીં તો પછી અમે નક્કી કર્યું કે માતાજીની મૂર્તિને અમે પોતે જ રંગ વગેરે કરીને સુંદર રૂપ આપીશું. આથી, અમે માતાજીની મૂર્તિને વોટર કલર વગેરે નવું કર્યું હતું. આમ અમારા દશામાની મૂર્તિ સમક્ષ અમે મન ભાવ અને હૈંયાના ભાવથી દશેદશ દિવસ આનંદથી વ્રત કર્યું છે., વ્રતકથા, પૂજનઅર્ચન, આરતી, થાળ કર્યાં છે અને આજે આ ફરાળી વાનગીઓનો અન્નકૂટ પણ ધરાવ્યો છે.