અમદાવાદ : શેરબજારમાં આજે સતત સાતમાં દિવસે તેજીની આગેકૂચ રહી છે. સેન્સેક્સે 60,000ની અતિમહત્વની સપાટી કૂદાવી દીધી છે અને નિફટી પણ 17,700ની સપાટી વટાવી ગયો છે. આજના ટ્રેડિંગ સેશનમાં બેંકિંગ, મેટલ અને ઓટો સેકટરના શેરોમાં ભારે લેવાલીથી તેજી થઈ હતી. આજના ઉછાળાથી રોકાણકારોની સંપત્તિમાં ફકત એક જ દિવસમાં 1.35 લાખ કરોડનો વધારો થયો છે.
બેંક, મેટલ, ઓટો સેકટરના શેરોમાં નવી લેવાલી : માર્ચ, 2023ને અંકે કંપનીઓના પરિણામ પ્રોત્સાહક આવવાના આશાવાદ પાછળ ભારતીય શેરબજારમાં સતત સાતમાં દિવસે તેજીની આગેકૂચ રહી છે. નવા નાણાંકીય વર્ષમાં બેંક, મેટલ, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને ફાઈનાન્સિયલ સેકટરના શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. તેની સામે આઈટી અને ટેકનોલોજીના શેરોમાં નફારૂપી વેચવાલીથી ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચો Sitharaman In Washington:ભારત આવો અને જુઓ, નાણાપ્રધાને નકારાત્મક પશ્ચિમી દેશોને આહવાહન કર્યુ
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મજબૂતી : રોકડાના શેરોની વાત કરીએ તો મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ધીમી પણ મક્કમ લેવાલી રહી હતી. આજે મિડકેપ ઈન્ડેક્સ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ક્રમાનુસાર 0.78 ટકા અને 0.40 ટકાની મજબૂતી જોવા મળી હતી.
રોકાણકારોની સંપત્તિમાં 1.35 લાખ કરોડનો વધારો: બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે 264.48 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. જે ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એટલે કે સોમવારે 10 એપ્રિલે 263.13 લાખ કરોડ હતું. આમ માર્કેટ કેપિટલાઈઝેશનમાં 1.35 લાખ કરોડનો વધારો થયો છે. એટલે કે આમ આજના માર્કેટની તેજીથી રોકાણકારોની સંપત્તિમાં 1.35 લાખ કરોડનો વધારો થયો હતો.