હૈદરાબાદઃમારૂતી સુઝુકીના ઉત્પાદનની વાત આવે ત્યારે ગુજરાતનું નામ પહેલા ક્રમે લેવામાં આવે છે. જોકે, હવે હરિયાણા રાજ્યમાં પણ આ કંપનીનો મોટો પ્લાન્ટ શરૂ થતા એક બીજું કેન્દ્ર તૈયાર થઈ રહ્યું છે. પણ ગુજરાત અને સુઝુકીના ખાસ કરીને જાપાનના સંબંધો ખૂબ જૂના છે. વેપારી દ્રષ્ટિએ એક ડાયરી લખી શકાય એવા કિસ્સા અને કહાણીઓની વાત ભૂલવા જેવી નથી. મારૂતી સુઝુકીને 40 વર્ષ પૂરા થતા ગુજરાત સાથે એના સાંભરણાની ઝાંખી એક વખત કરવા જેવી છે.
આ પણ વાંચોઃ પ્રકૃતિનો અનમોલ નજારો એટલે ડાંગનો નાયગ્રા, વઘઇનો ગીરાધોધ
વર્ષે ભારતમાં 40 વર્ષ પૂર્ણ: ભારતની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ આ વર્ષે ભારતમાં 40 વર્ષ પૂર્ણ કરે છે. આ પ્રસંગે આ કંપની ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન 28 ઓગસ્ટના રોજ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મારુતિ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ તેમજ રાજ્યના અનેક મોટા ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેશે.
સિદ્ધિ ગુજરાતની દૃષ્ટિએ: વર્ષ 2011 માં, મારુતિ સુઝુકી કંપનીએ ગુજરાતમાં કાર ઉત્પાદન માટે તેના પગલાં આગળ ધપાવ્યા. તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ મારુતિ સુઝુકી કંપનીને ગુજરાતમાં સારી રીતે સ્થાપિત કરવા અને તેની ઉત્પાદન પ્રવૃત્તિને અસરકારક રીતે આગળ ધપાવવા માટે ઘણા પ્રોત્સાહનો આપ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ, 2012 માં, આ કંપનીએ ગુજરાતમાં તેનો પ્રથમ પ્લાન્ટ હાંસલપુર ખાતે સ્થાપ્યો. નરેન્દ્ર મોદીના કાર્યકાળથી માંડીને ગુજરાતના વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ સુધી મારુતિ કંપનીએ ગુજરાતમાં સતત પોતાનો બિઝનેસ વધાર્યો છે.
આ પણ વાંચોઃ ભુજમાં PM નરેન્દ્ર મોદીએ કર્યુ સ્મૃતિવનનું ઉદ્ઘાટન
વાર્ષિક 7.5 લાખ ઉત્પાદન: મારુતિ સુઝુકી કંપની ગુજરાતના હાંસલપુરમાં 3 મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે, જે વર્ષે 7.5 લાખ કારનું ઉત્પાદન કરે છે. ગુજરાત સરકારની વિવિધ પ્રોત્સાહક નીતિઓનો લાભ લઈને મારુતિ સુઝુકી કંપનીએ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 16 હજાર કરોડનું રોકાણ કર્યું છે. મારુતિ સુઝુકી માટે કારના ભાગો પૂરા પાડવા માટે 100 થી વધુ કમ્પોનન્ટ સપ્લાયર્સ પણ ગુજરાતમાં તેમનો વ્યવસાય કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, રાજ્યમાં આ કોમ્પોનન્ટ સપ્લાયર્સ દ્વારા આશરે રૂ. 7,300 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
બેટરી માટે કરોડોનું રોકાણ: ગુજરાત સરકારે થોડા મહિના પહેલા એક નવી EV નીતિની જાહેરાત કરી હતી, જેમાં રાજ્યમાં ઇલેક્ટ્રિકલ વાહનો અને તેના સમગ્ર ઉત્પાદન ઇકોસિસ્ટમને વિકસાવવા માટે સંખ્યાબંધ જોગવાઈઓ અને પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારની આ નીતિનો લાભ લઈને મારુતિ સુઝુકી ભારતમાં પ્રથમ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપી રહી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના ચેરમેન આર.સી. ભાર્ગવે જણાવ્યું હતું કે તેમની કંપની ટૂંક સમયમાં ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને માંડલ તાલુકામાં ઓટોમોટિવ રિસાઈકલિંગ ફેસિલિટી માટે રૂ.10 હજાર કરોડનું રોકાણ કરશે.