મુંબઈ :ભારતીય શેરબજારમાં 15 જાન્યુઆરી, સોમવારના રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો હતો. IT સેક્ટરમાં તોફાની તેજી કારણે બજારના મુખ્ય સૂચકાંકો આજે નવી ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યા હતા. BSE Sensex પ્રથમ વખત 73,400 ની રેકોર્ડ બ્રેકિંગ સપાટી વટાવી હતી. જ્યારે NSE Nifty પણ 22,115 ઓલ ટાઈમ હાઈ સ્પર્શયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 760 અને 203 પોઈન્ટના ઉછાળા સાથે ઉંચા મથાળે બંધ થયા હતા. IT ઉપરાંત ફાર્મા અને બેન્કિંગ સેક્ટરમાં પણ જોરદાર લેવાલી જોવા મળી હતી.
BSE Sensex : આજે 15 જાન્યુઆરી, સોમવારના રોજ BSE Sensex ગતરોજના 72,568 બંધની સામે 482 પોઈન્ટ વધારા સાથે પ્રથમવાર 73,050 ના ઊંચા મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ દિવસ દરમિયાન સતત મજબૂત વલણને જાળવી રાખી ભારે લેવાલીના પગલે સતત ઉપર ચડતા રહી 73,402 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 760 પોઈન્ટનો હનુમાન કૂદકો મારી 73,328 ના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 1.05 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 203 પોઈન્ટ (0.93%) ઉછળીને 22,097 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે ગતરોજના 21,894 બંધની સામે 159 પોઈન્ટ સુધારા સાથે પ્રથમવાર 22,053 ના મથાળે ખુલ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન સતત મજબૂત વલણને જાળવી રાખી NSE Nifty છેલ્લા એક વર્ષમાં ઓલટાઇમ હાઈ 22,115 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
IPO અપડેટ :મેડી આસિસ્ટ હેલ્થકેર IPO સબ્સ્ક્રિપ્શનના સ્ટેટસની વાત કરવામાં આવે તો NII કેટેગરીમાં 11% અને રિટેલ કેટેગરીમાં 23% એમ કુલ 14% સબ્સ્ક્રિપ્શન થયા છે.