અમદાવાદ: અમેરિકન ડૉલર ઘટીને 4 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે, તેમજ અમેરિકાએ કોરાનાના કપરા સમયમાં વધુ 1 ટ્રીલીયન ડૉલરનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. યૂરોપિયન યૂનિયન પણ આર્થિક રાહત પેકેજ આપશે, જે સમાચાર પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલ્વરમાં ધૂમ ખરીદી નીકળી હતી. પરિણામે વૈશ્વિક બજારમાં ગોલ્ડનો ભાવ 1,827 ડૉલર જે નવ વર્ષની ઊંચી સપાટીએ રહ્યો હતો. તેમજ સિલ્વરનો ભાવ 20.55 ડૉલર જે ચાર વર્ષની નવી ઊંચી સપાટીએ રહ્યો હતો.
સોનું રૂ. 51 હજાર, ચાંદી રૂ. 55 હજારને પાર, વૈશ્વિક બજારમાં ગોલ્ડ 9 વર્ષ અને સિલ્વર 4 વર્ષની ટોચ પર - વિશ્વભરમાં સોના ચાંદીની માગ
કોરોના કાળમાં સોનાચાંદીના ભાવમાં સતત ઉછાળો નોંધાયો છે. આજે મંગળવારે ચાંદીનો ભાવ એક કિલોએ રૂપિયા 55,000ની સપાટી કૂદાવી ગયો હતો અને 999 ટચ સોનાનો ભાવ દસ ગ્રામે રૂપિયા 51,000 થયો હતો. વૈશ્વિક બજારમાં સોનું 9 વર્ષની હાઈ પર છે અને ચાંદી ચાર વર્ષની ટોચ પર છે.
આમ વૈશ્વિક બજારોની તેજી પાછળ અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનાનો ભાવ દસ ગ્રામે રૂપિયા 50,500 - 51,000નો ભાવ બંધ રહ્યો હતો. હૉલમાર્ક દાગીનાનો ભાવ રૂપિયા 49,980 બોલાયો હતો. તેમજ ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ રૂપિયા 53,300 - 55,300 રહ્યો હતો. સોનાચાંદીના ભાવ ઊંચા હોવાને કારણે હાલ અમદાવાદ બુલિયન બજારમાં નવી ઘરાકીનો અભાવ જોવાઈ રહ્યો છે. માત્ર વાયદા બજારમાં નવું બાઈંગ હતું.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં વાયદામાં ગોલ્ડનો ભાવ 160 રૂપિયા વધી 49,187 રહ્યો હતો. તેમજ સિલ્વરનો ભાવ રૂપિયા 1620 ઉછળી 55,625 કવૉટ થયો હતો. ડૉલર સામે રૂપિયો 74.75 હતો.