મુંબઈ: દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ છૂટક (બે કરોડ રૂપિયાથી ઓછા) ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજના દરમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો છે. આ કપાત તમામ ટર્મ એફડી (FD) માટે કરવામાં આવી છે. બન્કે બલ્ક ડિપોઝિટ (રૂ. 2 કરોડ અને તેથી વધુ) પર પણ 0.5 ટકાનો વ્યાજ દર ઘટાડ્યો છે.
સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ) એ મે મહિનામાં બીજી વખત ફિક્સ ડિપોઝિટ(FD)ના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આ અગાઉ 12 મેના રોજ બેન્કે તેના ડિપોઝિટ રેટમાં ઘટાડો કર્યો હતો. નવા વ્યાજ દરો બુધવારથી લાગુ થશે.
એસબીઆઈની વેબસાઇટ અનુસાર 7 થી 45 દિવસની પાકતી(મેચ્યોરિટી) મુદતની થાપણો પરનો વ્યાજ દર 2.90 ટકા છે, જે અગાઉ 3.30 ટકા હતો.
આવી જ રીતે, 180 થી 210 દિવસની થાપણો પરનો વ્યાજ દર 4.80 ટકાથી ઘટાડીને 4.40 ટકા કરવામાં આવ્યો છે. એક વર્ષથી વધુની પાકતી(મેચ્યોરિટી) મુદત અને બે વર્ષ કરતા ઓછા સમયની એફડી (FD) પર હવે 5.50 ટકાને બદલે 5.10 ટકાના દરે વ્યાજ મળશે.
વેબસાઇટ અનુસાર, પાંચ વર્ષથી 10 વર્ષ સુધીની થાપણો પરના વ્યાજ દર 5.70 ટકાને બદલે 5.40 ટકા રહેશે. વરિષ્ઠ નાગરિકો માટે પણ, બધા સમયગાળાની રિટેલ ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 0.4 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.