ગુજરાત

gujarat

ETV Bharat / business

RBI એક લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને આપશે - RBI એક લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને આપશે

છેલ્લા બે દાયકા દરમિયાન રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા તરફથી ભારત સરકારને આપવામાં આવતું ડિવિડન્ટ સતત વધી રહ્યું છે. 2001-02માં તે 10,000 કરોડ રૂપિયા હતું, તે 2018-19માં 1,75,987 કરોડ રૂપિયા થયું હતું. ગત નાણાંકીય વર્ષ માટેનું 99,122 કરોડ રૂપિયા ડિવિડન્ટ અપાયું. શા માટે RBI આટલું જંગી ડિવિડન્ડ કેન્દ્ર સરકારને આપી રહી છે? જાણો આ લેખમાં.

RBI એક લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને આપશે
RBI એક લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને આપશે

By

Published : May 24, 2021, 2:08 PM IST

  • RBIના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં મળેલી સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં નિર્ણય લેવાયો
  • નવ મહિનાના ડિવિડન્ટ તરીકે ભારત સરકારને 99,122 કરોડ રૂપિયા આપવાનું ઠરાવ્યું
  • વર્તમાન સ્થાનિક અને વૈશ્વિક આર્થિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ બોર્ડે આ નિર્ણય કર્યો

નવી દિલ્હી:રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ ગત વર્ષ માટેના નવ મહિનાના ડિવિડન્ટ તરીકે ભારત સરકારને 99,122 કરોડ રૂપિયા આપવાનું ઠરાવ્યું છે.
શુક્રવારે RBIના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં મળેલી સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ RBIએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે વર્તમાન સ્થાનિક અને વૈશ્વિક આર્થિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ બોર્ડે આ નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારને આ ડિવિડન્ડથી બહુ મોટી રાહત મળશે. કેમ કે હાલમાં સરકારને મહેસૂલની આવક કોરોના લૉકડાઉનને કારણે અને વેપારી પ્રતિબંધોને કારણે ઘટી ગઈ છે.

ડિવિડન્ટ આપવાની બદલાતી ફોર્મ્યુલા

RBIની સંપૂર્ણ માલિકી કેન્દ્ર સરકારની છે અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા ઍક્ટ, 1934 અનુસાર બૅન્ક નફો કરે તેની વધારાની રકમ કેન્દ્રને ડિવિડન્ડ તરીકે ટ્રાન્સફર કરતી હોય છે. નાણાંકીય વર્ષના હિસાબોની ચકાસણી કર્યા પછી, RBI ડિવિડન્ડની જાહેરાત કરે છે. બે બાબતોને ધ્યાનમાં રાખીને ડિવિડન્ટ નક્કી કરવામાં આવતું હોય છે – નાણાંકીય વર્ષ દરમિયાન RBIને કેટલી કમાણી થઈ અને બેન્કે તાકિદની જરૂરિયાત માટે પોતાની પાસે કેટલી અનામત મૂડી રાખવી જોઈએ.

છેલ્લા બે દાયકા દરમિયાન ચાર સમિતિઓ બેસાડાઈ હતી

RBI પાસેથી વધારેમાં વધારે ડિવિડન્ટ મેળવવા માટેની માગણી કેન્દ્ર સરકાર તરફથી થતી રહી છે. તેથી બૅન્ક પાસે કેટલી અનામત મૂડી રહેલી જોઈએ તેની આદર્શ સ્થિતિ નક્કી કરવા માટે નિષ્ણાતોની સમિતિ બેસાડવાની રીત બૅન્ક સમયાનુસાક અપનાવતી રહી છે. છેલ્લા બે દાયકા દરમિયાન આવી ચાર સમિતિઓ બેસાડાઈ હતી. 1987માં વી. સુબ્રમણ્યમની આગેવાનીમાં, 2004માં ઉષા થોરાટની આગેવાની, 2014માં વાય. એચ. માલેગામ અને 2018માં બિમલ જાલનની આગેવાનીમાં સમિતિઓ બેસાડાઈ હતી.

આ પણ વાંચો:ભારતના અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપતી રિઝર્વ બેંકની જાહેરાત સમજો સરળ શબ્દોમાં... જૂઓ વીડિયો

12 ટકા જેટલું કન્ટિજન્સી રિઝર્વ રાખવા ભલામણ

સુબ્રમણ્યમ સમિતિએ ભલામણ કરી હતી કે બૅન્કની કુલ સંપત્તિના 12 ટકા જેટલું કન્ટિજન્સી રિઝર્વ રાખવું જોઈએ, થોરાટ પેનલે જણાવેલું કે વધારે ઊચું એટલે કે 18 ટકાનું રિઝર્વ રાખવું જોઈએ. જોકે RBI બોર્ડે થોરાટ સમિતિની ભલામણ સ્વીકારી નહોતી અને સુબ્રમણ્યમ સમિતિ અનુસાર ધોરણ જાળવી રાખ્યું હતું. માલેગામ સમિતિએ ફક્ત એટલું જ કહ્યું હતું કે જરૂરી પ્રમાણમાં અનામત મૂડી રાખવી જોઈએ, પણ કેટલા ટકા તેનો ફોડ પાડ્યો નહોતો.

કન્ટિજન્સી રિઝર્વ ઘટાડીને માત્ર 5.5થી 6.5 ટકા જ રાખવાની ભલામણ

સૌથી છેલ્લે નિમાયેલી બિમલ જાલન સમિતિએ કન્ટિજન્સી રિઝર્વ ઘટાડીને માત્ર 5.5થી 6.5 ટકા જ રાખવાની ભલામણ કરી હતી. RBIની બેલેન્સ શીટના માત્ર આટલા ટકા જ રિઝર્વ રાખવાની ભલામણને કારણે RBI તરફથી કેન્દ્ર સરકારને જંગી પ્રમાણમાં ડિવિડન્ટ આપવાની શરૂઆત થઈ હતી.

10,000 કરોડથી એક લાખ કરોડ

જુદી જુદી સમિતિની ભલામણ પ્રમાણે RBI કેન્દ્ર સરકારને વધુ ને વધુ ડિવિડન્ટ આપતી રહે છે તેવું આંકડાં દેખાડે છે. બે દાયકા પહેલાં 2001-02માં પ્રમાણસર 10,000 કરોડ અપાયા હતા, તેની સામે ગયા નાણાંકીય વર્ષ માટે તે આંકડો હવે એક લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.

2018-19ના વર્ષ માટે 1,75,987 કરોડનું ડિવિડન્ડ કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું

માલેગામ સમિતિએ અહેવાલ આપ્યો તે પછી RBIએ 2013-14માં કેન્દ્રને 52,679 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું. આગલા વર્ષ કરતાં આ સીધો જ 60 ટકાનો વધારો હતો. આ જ રીતે બિમલ જાલનની ભલામણ પછી 2018-19ના વર્ષ માટે જંગી રૂપિયા 1,75,987 કરોડનું ડિવિડન્ડ કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, માત્ર એક વાર માટે જ વધારાના 52,637 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, કેમ કે પેનલની ભલામણ પ્રમાણે વધારે ફાળવણી હજી થઈ શકે તેમ હતી. કોઈ એક વર્ષ માટે RBIએ આપેલું આ સૌથી મોટું ડિવિડન્ડ છે. તે પછીના બીજા નંબરનું સૌથી મોટું ડિવિડન્ટ હવે જાહેર કરાયું છે. જે છે 99,122 કરોડ રૂપિયા.

RBI શેમાંથી કમાણી કરે છે?

ઓપન માર્કેટ ઓપરેશન્સ (બજારમાં લેતીદેતી), વિદેશી હૂંડિયામણમાં ફાયદો, જોખમને રાઇટ બેક કરવું વગેરે રીતે RBIકમાણી કરે છે. તેની સામે ચલણી નોટો જાહેર કરવી અને બૅન્કોની સીઆરઆર રિઝર્વ હોય તેના પર વ્યાજ આપવા જેવી જવાબદારી RBIની હોય છે. નોંધપાત્ર બાબત એ છે કે RBI ઍૅક્ટની કલમ 48 પ્રમાણે તેણે આવક વેરો ભરવાનો હોતો નથી. નફા કે ફાયદા પર સુપર ટેક્સ ભરવાનો હોતો નથી.

આ પણ વાંચો:RBIએ વ્યાજદરમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો, લોનના ઈએમઆઈ માટે પણ લેવાયો નિર્ણય, જૂઓ વીડિયો

RBI શા માટે કેન્દ્રને ડિવિડન્ટ આપે છે?

આરબીઆઈની સ્થાપના બ્રિટિશ રાજમાં આરબીઆઈ ઍક્ટ, 1934ની જોગવાઈ હેઠળ 1 એપ્રિલ, 1935માં થઈ હતી. મૂળ તે ખાનગી માલિકી હતી, પરંતુ 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને તે રીતે ભારત સરકારની સંપૂર્ણ માલિકીની બની હતી. RBI ઍક્ટ, 1934 હેઠળ જ RBIએ કેન્દ્ર સરકારને તેનો નફો કેન્દ્રને ડિવિડન્ટ તરીકે ટ્રાન્સફર કરવાનો હોય છે. ડૂબી ગયેલા કે શંકાસ્પદ લેણાં, મિલકતોનો ઘસારો, સ્ટાફ અને પેન્શનનો ખર્ચ વગેરે ખર્ચા તથા જવાબદારીઓ બાદ કર્યા બાદ નફામાંથી જે વધે તે કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવાની જોગવાઈ આ કાયદાની કલમ 47માં કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details