નવી દિલ્હી: જીએસટી વળતર કાયદાની જોગવાઈઓના ભંગમાં, કેન્દ્ર સરકારે ચાર મહિના દરમિયાન રાજ્યોએ જે આવકમાં નુકસાની કરી તેનું તેમને વળતર ચૂકવવા માટે ગત નાણાકીય વર્ષમાં ઑક્ટોબર-જાન્યુઆરી સમયઅવધિ માટે રાજ્ય સરકારોને લગભગ રૂ. ૪૮,૦૦૦ કરોડ ચૂકવ્યા નથી.
જીએસટી વળતર કાયદા હેઠળ એ રાજ્યો કે જેમણે જુલાઈ ૨૦૧૭માં જીએસટીના અમલના પગલે તેમની આવકના એકત્રીકરણમાં ૧૪ ટકાની સંયુક્ત વાર્ષિક વૃદ્ધિ નોંધાવી નથી, તેમને પાંચ વર્ષના સમયગાળા માટે કેન્દ્ર દ્વારા પૂર્ણ વળતર મળવા કાયદેસર હકદાર છે. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ને આધાર વર્ષ તરીકે લઈને આ વર્ષના સંબંધિત મહિનામાં તેમની આવકના એકત્રીકરણને ધ્યાનમાં લઈને દરેક રાજ્ય માટે વળતરની રકમ મહિનાવાર ગણવામાં આવે છે.
“ઑક્ટોબર-નવેમ્બર સમયગાળા માટે રાજ્યોને રૂ. ૧૪,૦૦૦ કરોડ કરતાં વધુ રકમ જીએસટી વળતર કાયદા હેઠળ ચુકવવાના બાકી છે,” તેમ નાણા ખાતામાં એક સૂત્રએ કહ્યું હતું.
“ડિસેમ્બર-જાન્યુઆરીની સમય અવધિ માટે રાજ્યોને જીએસટીના વળતર પેટે નહીં ચુકવાયેલી રકમ લગભગ રૂ. ૩૪,૦૦૦ કરોડ છે,” તેમ સૂત્રએ ઇટીવી ભારતને કહ્યું હતું.
લગભગ રૂ. ૪૮,૦૦૦ કરોડની બાકી રકમ ઑક્ટોબર-નવેમ્બર અને ડિસેમ્બર-જાન્યુઆરી સમય અવધિ માટેની છે.
જીએસટી (રાજ્યોને વળતર) અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૭(૨)ની જોગવાઈઓ મુજબ, વળતરની રકમ દર બે મહિનાના સમયગાળે કામચલાઉ રીતે ગણાય છે અને રાજ્યોને છૂટા કરાય છે. એક નાણાકીય વર્ષ માટે વળતરની અંતિમ રકમ ભારતના કમ્પ્ટ્રૉલર અને ઑડિટર જનરલ (કેગ) દ્વારા ઑડિટ કરાયા મુજબ આવકના અંતિમ આંકડા આવે તે પછી ગણવામાં આવે છે.
દ્વિમાસિક સમાધાનનો અર્થ થાય છે એક નાણાકીય વર્ષના પ્રથમ બે મહિના (એપ્રિલ-મે)માં રાજ્ય દ્વારા આવકની એકત્રીકરણમાં જે ઘટ પડી હોય તેના માટે, કેન્દ્રએ આ કેસમાં જૂન અને આ રીતે તે પછીના મહિનામાં, ખાધની રકમ ચૂકવવી જ પડે.