નવી દિલ્હી: છ વર્ષ સુધી અર્થતંત્રનું સંચાલન કરવા છતાં નબળાઈઓ માટે પૂર્વ UPA સરકારને તમામ વસ્તુ માટે કારણભૂત જણાવવા માટે ભાજપના નેતૃત્વવાળી NDA સરકાર પર આરોપ લગાવી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે સોમવારે દાવો કર્યો કે, વધતી બેકારી અને વપરાશમાં ઘટાડાએ આર્થિક સંકટને વધાર્યું છે. ઉતાવળમાં, કોઈપણ જાતની તૈયારી વિના GSTનો અમલ એ બીજી મોટી ભૂલ હતી. જેના કારણે આજે અર્થતંત્ર બર્બાદ થઇ ગયું છે.
પૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, મેં નાણાં પ્રધાનનું આખું બજેટ ભાષણ સાંભળ્યું હતું, જે 116 મિનિટ જેટલું લાંબુ હતું. સમગ્ર ભાષણ દરમિયાન એમણે એક પણ વખત સારા દિવસો આવશે એવો ઉલ્લેખ કર્યો નથી, જેની ખુશી છે. આમ, ખોટા વાયદા ભૂલાયા એ સારૂ છે. ચિદમ્બરમે કહ્યું કે, સરકાર સ્વીકારતી નથી, પરંતુ સત્ય એ છે કે અર્થતંત્રની સ્થિતિ બહુ ખરાબ છે. છેલ્લા 6 ત્રિમાસીકગાળામાં આર્થિક વૃદ્ધિના દરમાં ઘટાડો થયો છે. અગાઉ આવું ક્યારેય થયું નથી. બેકારીમાં વધારો થઇ રહ્યો છે અને વપરાશમાં ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે દેશની સામે આર્થિક સંકટ વધી રહ્યું છે.