અર્થતંત્રને સુસ્તીમાંથી બહાર લાવવા માટે ગયા સપ્ટેમ્બરમાં કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. સ્વદેશી કંપનીઓ પરનો વાસ્તવિક કૉર્પોરેટ ટેક્સ 31-32%થી ઘટાડીને માત્ર 25.12% કરી દેવાયો હતો. નવી સ્થપાતી ઉત્પાદક કંપનીઓ પરનો અગાઉનો 25% વેરો ઘટાડીને માત્ર 15% કરી દેવાયો હતો.
કૉર્પોરેશન ટેક્સ, જીએસટી અને આવક વેરો આ ત્રણ સરકારના આવકના સૌથી મોટા સાધનો છે. તે પછી એક્સાઇઝ અને કસ્ટમ્સમાંથી આવક થતી હોય છે.
નવા જાહેર થયેલા અનુમાન અનુસાર આમાંથી એક પણ વેરામાં - કૉર્પોરેશન ટેક્સ, જીએસટી, આવક વેરો, આબકારી જકાત કે આયાત જકાત એકેયમાં લક્ષ્યાંક પાર પડી શકે તેમ નથી.
આ પાંચ મુખ્ય વેરામાંથી ચાર વેરામાં (જીએસટી, આવક વેરો, એક્સાઇઝ અને કસ્ટમ્સમાંથી) ગત વર્ષ કરતાં વધારે આવક થશે ખરી, પરંતુ કૉર્પોરેશન ટેક્સમાં અંદાજ ઊંધા પડવાના છે. તેમાં બજેટ અંદાજ કરતાં ઓછી આવક ઉપરાંત ગયા વર્ષની વાસ્તવિક આવક કરતાંય ઓછી આવક થવાની છે.
ધારણા પ્રમાણે જ ખાનગી મૂડીરોકાણને ઉત્તેજન આપવા માટે કૉર્પોરેશન ટેક્સ ઘટાડવાનો નિર્ણય સરકારને મોંઘો પડી રહ્યો છે અને તેના કારણે વેરાની આવકનું લક્ષ્યાંક સૌથી નીચે જઈ રહ્યું છે.
ગત બજેટમાં સરકારે અંદાજ મૂક્યો હતો કે 16.50 લાખ કરોડની વેરાની આવક થશે, પરંતુ વાસ્તવિક આવક માત્ર કેન્દ્રને માત્ર 15.05 લાખ કરોડની થવાની છે. સુધારેલા અંદાજ પ્રમાણે તેમાં સીધું જ 1.45 લાખ કરોડ રૂપિયાનું ગાબડું પડવાનું છે.
કૉર્પોરેશન ટેક્સ ઘટાડતી વખતે સીતારમણે કહ્યું પણ હતું કે તેના કારણે માર્ચ 2020 સુધીના નાણાકીય વર્ષમાં સરકારને 1.45 લાખ કરોડ રૂપિયાની મહેસુલી ખાધ પડશે.
જોકે સુધારેલા અંદાજો પ્રમાણે એવું જોવામાં આવી રહ્યું છે કે માત્ર કૉર્પોરેટ ટેક્સમાં જ સરકારને 1.55 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.