ગુજરાત

gujarat

ETV Bharat / business

કોરોના વાઇરસની અસર વિશ્વ અર્થતંત્ર - ચીનના વુહાન પ્રાંત

ચીનના વુહાન પ્રાંતમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસ (Covid-19) હવે માત્ર ચીનના બીજા પ્રાંતોમાં જ નહિ, પણ બીજા દેશોમાં પણ ફેલાવા લાગ્યો છે. વાઇરસને આગળ વધતો અટકાવવા માટે ચીની સરકારે 16 શહેરોને અત્યારે કોર્ડન કર્યા હતા. આ શહેરોના બહુમાળી ઇમારતોમાં પણ આવનજાવન અટકાવી દેવામાં આવી.

Corona virus affects the world economy
Corona virus affects the world economy

By

Published : Apr 6, 2020, 1:01 PM IST

દરેક નાગરિકની ફરજિયાત મેડિકલ તપાસ થઈ રહી છે અને બીજા પ્રતિબંધો પણ મૂકવામાં આવ્યા. કોરોનાને કારણે મૂકાયેલા આ પ્રતિબંધોને કારણે નવા વર્ષની ઉજવણી પછી 70 લાખ કામદારો પરત કામે ચડવાના હતા તે આવી શક્યા નથી. તેના પરિણામે હેનાન, હુબેઇ, ઝેજિયાંગ, ગ્વાંગડોંગમાં ઉત્પાદન અટકી પડ્યું છે.

હેનન પ્રાંતમાં જ એપલના આઇફોન બનાવતી વિશ્વની સૌથી મોટી ફેક્ટરી આવેલી છે. હુબેઇ પ્રાંતની રાજધાની વુહાન શહેરમાં જાપાનની વાહન કંપનીઓ હોન્ડા અને નિસ્સાનની તથા ઘણી યુરોપિયન ઑટો કંપનીઓની ફેક્ટરીઓ આવેલી છે. જર્મનીના ફોક્સવેગન ગ્રુપે બીજિંગમાં રહેલા પોતાના 3,500 કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા કહ્યું છે. આ સિવાય બીએમડબ્લ્યૂ, ટેસ્લા, જેગ્વાર એન્ડ લેન્ડ રોવર જેવી કંપનીઓના ચીન ખાતેના કારખાનામાં પણ કામકાજ અટકી પડ્યું છે.

પુરવઠા વહનમાં અવરોધ

જુદા જુદા દેશની કંપનીઓએ કાર, ઈલેટ્રોનિક્સ અને ઔદ્યોગિક ઉપકરણો માટેના કારખાના ચીનમાં નાખ્યા છે. અમેરિકા, જર્મની, જાપાન અને ફ્રાન્સ જેવા વિકસિત દેશોએ આ એકમો ખોલ્યા છે. આજે કોઈ પણ ઉત્પાદન સંપૂર્ણપણે એક જ દેશમાં તૈયાર થતું નથી. સ્પેરપાર્ટ્સ જુદા જુદા દેશોમાં બનતા હોય છે. તેને એક જગ્યાએ એકઠા કરી, એસેમ્બલ કરીને જુદા જુદા દેશોમાં નિકાસ થતી હોય છે. દાખલા તરીકે સ્માર્ટફોન માટેના કેમેરા એક દેશમાં બને છે, જ્યારે તેનો ડિસ્પ્લે સ્ક્રીન બીજા દેશમાં બનતો હોય છે.

તેને ઇન્ટરનેશનલ સપ્લાય ચેઇન કહે છે. તાઇવાન, દક્ષિણ કોરિયા, વિયેટનામ, બાંગ્લાદેશ અને મલેશિયા આવી સપ્લાય ચેઇનના મુખ્ય કેન્દ્રો છે. આ બધા દેશોને પણ કોરોના વાઇરસને કારણે અસર થઈ છે. પરિણામે ચીન અને બીજા દેશો વચ્ચેની આયાત-નિકાસમાં અડચણો ઊભી થઈ છે. દાખલા તરીકે વસ્ત્રો અને તૈયાર ખાણીપીણી ચીનથી જાપાનમાં આયાત કરવામાં આવે છે. તેનો પુરવઠો અત્યારે અટકી પડ્યો છે. હ્યુન્ડાઇ મોટર કંપનીએ દક્ષિણ કોરિયાના કેટલાક એકમો બંધ કરી દેવા પડ્યા છે, કેમ કે ચીનમાંથી વાઇરિંગનો પુરવઠો મળ્યો નથી.એશિયાના ઘણા દેશોમાં લોકોએ ખરીદી કરવા માટે ભીડ ભરી બજારમાં જવાનું ટાળવાનું શરૂ કર્યું છે. બજાર, શોપિંગ મોલ અને રેસ્ટોરન્ટમાં કોરોનાના ભયને કારણે ભીડ ઓછી થઈ ગઈ છે. તેના કારણે રિટેલ બજારને પણ અસર થઈ છે.

કોરોના પછી ચીન સરકારે પર્યટન અટકાવી દીધું છે તેથી પર્યટન ક્ષેત્રને સીધી અસર થઈ છે. ઘણા દેશોમાં ચીનના પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. તેના કારણે વિયેટનામ, થાઇલેન્ડ અને સિંગાપોરની પ્રવાસનમાંથી થતી કમાણી પર અસર પડશે. કોરોનાના કારણે સિંગાપોરમાં આવતા એક કરોડ ચીની પ્રવાસીઓની કમાણી અટકી જશે. હૉંગ કૉંગ અને મકાઉ જેવા કેન્દ્રોને પણ મોટું નુકસાન થશે. થાઇલેન્ડના જીડીપીમાં પ્રવાસન ઉદ્યોગનો હિસ્સો 11.2 ટકા છે, જ્યારે હૉંગ કૉંગમાં 9.4 ટકા. જોકે ભારત અને ઇન્ડોનેશિયામાં ચીનના પ્રવાસીઓ ઓછા આવે છે તેથી તેમને બહુ ફરક પડશે નહિ.

તેની સામે ઘણા દેશોની એરલાઇન્સને અસર થશે. બ્રિટિશ એરવેઝ, લુફ્તાંસ અને એર ઇન્ડિયાની ચીન જતી ફ્લાઇટ્સ અટકી પડી છે. જાપાનને ચિંતા છે કે ટુરિઝમ અને એવિએશનને થયેલી આડઅસરથી 24 જુલાઈથી ટોકિયોમાં યોજાનારા સમર ઑલિમ્પિક્સને અસર થશે.

કોરોનાના કારણે ચીનના કારના ઉત્પાદનમાં 15 ટકાનો ઘટાડો થયો છે. કાર સ્પેર બનાવતી બૉશ, મેગ્ના ઇન્ટરનેશનલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કંપની એનવિડિયાનું ઉત્પાદન પણ ઘટવાનું છે. મંદીનો સામનો કરી રહેલા વિશ્વ પર કોરોનાને કારણે મોટો માર પડી રહ્યો છે. ચીનની સાથે વિશ્વનો જીડીપી વિકાસ દર કોરોનાને કાણે નીચો આવશે. ચીનમાં હેવી મશીનરીની નિકાસ કરતા જર્મનીને નવા ઓર્ડર ઘટી જાય તેવી શક્યતા છે.

ભારત માટે સારી તક

ચીન તરફથી પુરવઠો ઘટે ત્યારે વિશ્વના દેશો ભારત પર કેટલાક ઉત્પાદનો માટે આધાર રાખી શકે છે. તેના કારણે ભારતને કેટલીક રાહત મળી શકે છે. ભારતને સિરામિક્સ, હોમ એપ્લાયન્સીઝ, ફેશન અને લાઇફ સ્ટાઇલની વસ્તુઓ, નાના પાયાના એન્જિનિયરિંગ ઉપકરણો અને ફર્નિચરની નિકાસ કરવાની તક મળી શકે છે. કોરોના વાઇરસ સામે બચાવ માટેના માસ્કનો મોટો ઓર્ડર પણ મળ્યો છે.

ભારતને પહેલા ચિંતા જાગી હતી કે મોટા પાયે માસ્ક નિકાસ કરી દેવાશે તો બાદમાં ઘર આંગણે તેની ખોટ વરતાશે. જોકે એટલી મોટી માંગ નીકળી છે કે ભારતના નિકાસકારો તેને પહોંચી શકે તેમ નથી. ચીનની જેમ મોટા પાયે ઉત્પાદક દેશ બનવા માટે ભારતે હજી ઘણું કરવાનું બાકી છે.

આજે ચીન વિશ્વના 10.4 ટકા વસ્તુઓની આયાત કરે છે. 2002માં આયાતમાં ચીનનો હિસ્સો માત્ર ચાર ટકા હતો. તેના કારણે 2003માં સાર્સ વાઇરસ ફેલાયો ત્યારે થયેલા નુકસાન કરતાં અત્યારે વધારે નુકસાન થાય તેમ છે. 2003 કરતાં અત્યારે ચીન વિશ્વ વેપાર માટે વધારે અગત્યનું બની ગયું છે. વિશ્વના જીડીપીમાં ચીનનો હિસ્સો 15 ટકાનો થઈ ગયો છે. તેમાં જરા પણ ઘટાડો થાય તો વૈશ્વિક જીડીપી પર નકારાત્મક અસર થઈ શકે છે.ચીન ભારતનો સૌથી મોટો વેપારી સાથીદાર છે. 2018-19માં ભારતની કુલ આયાતમાંથી 14 ટકા ચીનમાંથી થાય છે. સામે ભારતમાંથી ચીનમાં પાંચ ટકાની નિકાસ થઈ હતી. કોરોનોની સમસ્યાનો ઉકેલ નહિ આવે તો આયાત-નિકાસ બંને પર અસર થશે. ચીનમાં સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન અટકી પડ્યું છે અને સપ્લાયર્સે ભાવો વધારી દીધા છે.

તેના કારણે ભારતમાં ફુગાવો વધી શકે છે અને ઉત્પાદન ઘટશે અને તેના કારણે વધારે લોકો નોકરી ગુમાવશે. આજે વિશ્વના દેશો એકબીજા પર નિર્ભર થઈ ગયા છે, ત્યારે કોરોનાની સમસ્યાનો ઉકેલ સાથે મળીને જ કરવો રહ્યો.

ભારત માટે અનિવાર્ય મુશ્કેલી

સ્ટોકમાં માલ હશે ત્યાં સુધી ભારત કામ ચલાવી શકશે, પણ લાંબા ગાળે ચીનમાંથી સ્પેર પાર્ટ્સ નહિ આવે તો મુશ્કેલી થઈ શકે છે. ભારત મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ વસ્તુઓ અને કેમિકલ્સ ચીનમાંથી આયાત કરે છે. તેની આયાત પર અસર થવાથી 2020-21ના જીડીપી વૃદ્ધિ દર પર અસર થશે. ત્રણથી ચાર મહિનામાં કોરોના કાબુમાં નહિ આવે તો ભારતની કંપનીઓએ વધુ મુશ્કેલી સહન કરવી પડશે.

આગામી નાણાંકીય વર્ષમાં 6.5 ટકાનો વિકાસ દર રહેવાની સંભાવના છે. છ મહિનામાં કોરોના કાબૂમાં નહિ આવે તો ભારતે વિકાસ દર હાંસલ કરવો મુશ્કેલ બનશે. ચીનમાંથી સ્પેર પાર્ટ્સ ના આવવાથી મારુતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું કાર ઉત્પાદન ઓછું થઈ શકે છે. ચીનના 60 ટકા જેટલા ઑટો એસેમ્બલી પ્લાન્ટ્સ બંધ પડ્યા છે અને બીજા દેશોમાંથી સ્પેર પાર્ટ્સ મગાવવા મુશ્કેલ છે.

ભારત ચીનમાંથી 10થી 30 ટકા ઓટોમોટિવ સાધનો ચીનથી મગાવે છે. ઇલેક્ટ્રિક વાહનો માટેની બેટરી અને બીજા સ્પેર પાર્ટ્સ ચીનથી આવે છે. ફિચના અહેવાલ અનુસાર ભારતના વાહન ઉદ્યોગમાં કોરોનાના કારણે આઠ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. હીરા, ચામડાની વસ્તુઓ અને દવાના ઉત્પાદન પર પણ અસર થશે. જૂતાના સોલ ચીનથી આવે છે. સોલર પેનલ ચીનથી આવે છે તેમાં ઘટાડો થવાથી સૂર્ય ઉર્જાની બાબતમાં ભારત પાછળ રહી શકે છે. એર કન્ડિશનર, વૉશિંગ મશીન, ટીવી અને સ્માર્ટફોનના પૂર્જા ચીનથી આયાત થાય છે. તંગી સર્જાવાથી તેના ભાવ વધી શકે છે. શાયોમી સ્માર્ટ ફોનના ભાવ વધારા માટે વિચારવા લાગી છે.

આ ઉપરાંત બલ્ક ડ્રગ્ઝના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ પણ ચીનથી આયાત થાય છે. કોરોનાને કારણે તેના પુરવઠા પર પણ અસર થઈ છે. તેનાથી દવાનું ઉત્પાદન ઘટશે અને ભાવો વધશે. 10 દિવસમાં જ પેરાસિટામોલ જેવા કાચા માલનો ભાવ બેગણો થઈ ગયો છે.ભારતે કોરોનાને કારણે ઊભી થયેલી કટોકટીમાંથી બોધપાઠ લઈને આયોજન કરવું જોઈએ. ભારતે બલ્ક ડ્રગ્ઝના ઉત્પાદન માટેની સુવિધાઓ ઊભી કરવી જોઈએ. મેડિકલ ઉપકરણો પણ દેશમાં જ તૈયાર થાય તે માટેનું આયોજન ભારતે કરવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details